સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ પહેલાં ભાજપની મુશ્કેલીઓ વધી?

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ પહેલાં ભાજપની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે, એક તરફ મરાઠા અનામતને કારણે ઓબીસી સમાજ પહેલેથી જ નારાજ થઈને બેઠો છે અને આંદોલનો કરી રહ્યો છે ત્યારે બીજી તરફ ભાજપની સ્થાપનાથી અત્યાર સુધી તેમના કટ્ટર સમર્થક જૈન સમુદાયમાં ભાજપની સરકાર પ્રત્યે નારાજી વધી રહી છે.
વિલે પાર્લેમાં જૂના મંદિરનું બાંધકામ તોડી પાડવું, કબૂતરખાના પર પ્રતિબંધ અને કોર્ટના આદેશ મુજબ મહાદેવી હાથીને મંદિરમાંથી ખસેડવાથી જૈન સમુદાયમાં નારાજી ફેલાઈ હતી, તેમાં પુણેમાં જૈન ટ્રસ્ટ સાથે સંકળાયેલી જમીનના સોદાના બનાવે આ નારાજીમાં વધારો કર્યો છે.
આ બધી ઘટનાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે જૈન સમુદાય અને ભાજપ વચ્ચે તણાવ વધ્યો છે. જૈન સમુદાય ભાજપનો પરંપરાગત મતદાર માનવામાં આવે છે. મહારાષ્ટ્રમાં જૈન સમુદાય કેટલો પ્રભાવશાળી છે? શું તેની ભાજપ પર નકારાત્મક અસર પડશે? એવા સવાલો અત્યારે રાજકીય વર્તુળોમાં પુછાઈ રહ્યા છે.
આપણ વાચો: સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ: જિલ્લા પ્રમુખોની બેઠકમાં ભાજપથી ન ડરવાનો ઉદ્ધવનો હુંકાર
જૈન સમુદાય સાથે સંકળાયેલા પુણેના ઐતિહાસિક શેઠ હીરાચંદ નેમચંદ મેમોરિયલ ટ્રસ્ટની માલિકીની લગભગ 300 કરોડ રૂપિયાની જમીન એક બાંધકામ કંપનીને વેચવાના કથિત વિરોધમાં હજારો જૈન સમુદાયના સભ્યો સમગ્ર મહારાષ્ટ્રમાં રસ્તાઓ પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિદ્યાર્થી છાત્રાલયના વિવાદાસ્પદ સ્થળે કેન્દ્રીય રાજ્યકક્ષાના પ્રધાન મુરલીધર મોહોળનું નામ આવતાં આ મામલો વધુ ગરમાયો છે.
હાલનો વિવાદ પુણેના મોડેલ કોલોનીમાં જૈન વિદ્યાર્થી છાત્રાલયની માલિકીની સાડા ત્રણ એકર જમીનની આસપાસ કેન્દ્રિત છે. આ ટ્રસ્ટની મિલકતમાં એક જૈન મંદિર, તેમજ 1958માં આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓ માટે શરૂ કરાયેલ છાત્રાલયનો સમાવેશ થાય છે.
આ વર્ષની શરૂઆતમાં, ચેરિટી કમિશનરે ગોખલે ક્ધસ્ટ્રક્શન્સ સાથે આ જમીન વ્યવહાર કરવા માટે ટ્રસ્ટને મંજૂરી આપી હોવાનો આરોપ છે. જૈન કાર્યકરોનો આરોપ છે કે આ જમીન વ્યવહાર ટ્રસ્ટ ડીડનું ઉલ્લંઘન કરે છે અને જમીનના સખાવતી હેતુને જોખમમાં મૂકે છે.
આ છાત્રાલય પુણેની સૌથી જૂની જૈન સખાવતી સંસ્થાઓમાંની એક છે. એવો આરોપ મૂકવામાં આવી રહ્યો છે કે આ જમીન વેચાણથી સમુદાયના ધાર્મિક અને પરોપકારી વારસા સાથે દગો થયો છે. આ કારણે, મોટી સંખ્યામાં જૈન સમુદાય રસ્તા પર ઉતરી આવ્યો છે. આ વિવાદ સાથે મુરલીધર મોહોળનું નામ સંકળાયેલું હોવાથી, મામલો વધુ ગરમાયો છે. તેમના પર ડેવલપર સાથે સંબંધો હોવાનો આરોપ છે.
મોહોળે આરોપોને નકારી કાઢ્યા છે અને ખાતરી આપી છે કે જૈન સમુદાયનો મુદ્દો સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલવામાં આવશે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ મોહોળને વાતચીત માટે મુંબઈ બોલાવ્યા હતા.
મહાયુતિ સરકારે ટ્રસ્ટના જમીન સોદાની ‘યથાસ્થિતિ’ અને વેચાણની કાયદેસરતા અંગે તપાસનો આદેશ આપ્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે વિવાદ થયા બાદ ગોખલે ક્ધસ્ટ્રક્શન્સે ગયા રવિવારે કહ્યું હતું કે તે આ સોદામાંથી ખસી રહી છે.
આપણ વાચો: સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ પહેલાં છગન ભુજબળનો પ્રધાનમંડળમાં સમાવેશ
મહારાષ્ટ્રમાં જૈન સમુદાયનો પ્રભાવ કેટલો?
2011ની વસ્તી ગણતરી મુજબ, મહારાષ્ટ્રમાં લગભગ 1.4 લાખ જૈનો છે, જે આખા દેશની જૈન વસ્તીના 32 ટકા છે. જોકે, જૈન સમુદાય રાજ્યની વસ્તીમાં માત્ર 1.25 ટકા છે. મુંબઈમાં (5.4 ટકા), મુંબઈ ઉપનગરોમાં (3.7 ટકા) અને ઔરંગાબાદ (0.8 ટકા)માં મોટી સંખ્યામાં જૈનો રહે છે.
તેમની ઓછી સંખ્યા હોવા છતાં, જૈન સમુદાયનો રાજકીય અને આર્થિક પ્રભાવ નોંધપાત્ર છે. હાલમાં, રાજ્ય વિધાનસભામાં સાત જૈન વિધાનસભ્યો છે, જેમાંથી છ ભાજપના છે અને એક તેના સાથી પક્ષના છે. આ સમુદાયે ઐતિહાસિક રીતે ભાજપને આર્થિક અને ચૂંટણી બંને રીતે તાકાત પૂરી પાડી છે.
જૈન સમુદાયની નારાજીના કારણો શું?
એપ્રિલમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)એ મુંબઈના વિલે પાર્લેમાં એક જૂના દિગંબર જૈન મંદિરનો કેટલોક ભાગ તોડી પાડ્યો હતો અને બાંધકામ ગેરકાયદે હોવાનું જણાવ્યું હતું. સિવિલ કોર્ટે મંદિર ટ્રસ્ટના વચગાળાના રક્ષણમાં વધારો કરવાનો ઇનકાર કર્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
19 એપ્રિલના રોજ, હજારો જૈનોએ કાર્યવાહીની માગણી સાથે અંધેરી પૂર્વમાં બીએમસીના કે-પૂર્વ વોર્ડ ઓફિસ સુધી શાંતિપૂર્ણ કૂચ કાઢી હતી. ભાજપ કાર્યકર પ્યારે ખાનની આગેવાની હેઠળ મહારાષ્ટ્ર રાજ્ય લઘુમતી પંચે તોડી પાડવાને ખોટું ગણાવ્યું હતું અને સમુદાય સાથે પરામર્શની માગણી કરી હતી.
વિવાદનો બીજો મુદ્દો મુંબઈમાં કબૂતરખાનાઓ પર સરકારની આકરી કાર્યવાહીનો છે. કબૂતરખાના એવી જગ્યાઓ છે જ્યાં કબૂતરોને ચણ ખવડાવવામાં આવે છે. જૈન ધર્મમાં ‘જીવ દયા’ના પ્રતીક તરીકે તેમનું આધ્યાત્મિક મહત્વ છે. ત્રીજી જુલાઈના રોજ વિધાન પરિષદના સત્ર દરમિયાન પ્રધાન અને શિવસેનાના નેતા ઉદય સામંતે જાહેર આરોગ્યની ચિંતાઓને ટાંકીને મુંબઈમાં 51 કબૂતરખાના બંધ કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ બીએમસીએ અભિયાન શરૂ કર્યું હતું, લોકોને દંડ ફટકાર્યો અને કબૂતરખાના બંધ કરાવ્યા હતા.
31 જુલાઈએ બોમ્બે હાઈકોર્ટે પોલીસને પ્રતિબંધ હોવા છતાં ગેરકાયદે કબૂતરોને ચણ ખવડાવનારાઓ સામે એફઆઈઆર દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. બીજી ઓગસ્ટે દાદરના એક પ્રતિષ્ઠિત કબૂતરખાના સહિત તમામ કબૂતરખાનાઓને તાડપત્રીથી ઢાંકી દેવામાં આવ્યા હતા, જેના કારણે સમુદાયમાં ભારે વિરોધ થયો હતો.
વિવાદનો ત્રીજો મુદ્દો મહાદેવી નામની 36 વર્ષની માદા હાથણીને સ્થાનાંતરિત કરવાનો હતો, જે ત્રણ દાયકાથી કોલ્હાપુરના નાંદણી ગામમાં જૈન મઠમાં રહેતી હતી. પેટાની ફરિયાદ બાદ હાથણીને ગુજરાતના વનતારા હાથી અભયારણ્યમાં સ્થાનાંતરિત કરવામાં આવી હતી.
કોર્ટ દ્વારા આદેશિત આ પગલાનો કોલ્હાપુરમાં ભારે વિરોધ થયો હતો, જેમાં હાથણીના સ્વાસ્થ્યની ચિંતાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે સ્થળાંતરને સમર્થન આપ્યું હતું, જોકે હજારો લોકો હાથણીને પરત લાવવાની માગણી સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા.
ભાજપનું શું માનવું છે?
જૈનોમાં વધતી જતી અશાંતિને ધ્યાનમાં રાખીને, ભાજપે પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા તાત્કાલિક પગલાં લીધા છે. ભાજપે ઘણા વરિષ્ઠ નેતાઓને નારાજ લોકો સાથે વાતચીત કરવાનો નિર્દેશ આપ્યો છે. મંદિર તોડી પાડવાની ઘટના પછી, કેટલાક ભાજપના નેતાઓએ વિરોધ પ્રદર્શનોમાં ભાગ લીધો અને રેલીને ટેકો આપ્યો હતો. કબૂતરોને ચણ ખવડાવવા પર પ્રતિબંધથી સમુદાય ગુસ્સે થયા બાદ ફડણવીસે આંશિક રીતે પ્રતિબંધો હટાવી લીધા.
તેમણે બીએમસીને નિર્દેશ આપ્યો કે જ્યાં સુધી એક વ્યાપક યોજના તૈયાર ન થાય ત્યાં સુધી કબૂતરખાનામાં કબૂતરોને નિયંત્રિત રીતે ખવડાવવાની મંજૂરી આપવામાં આવે.
મુખ્ય પ્રધાને પુણેમાં જમીન વિવાદ પર જૈનોને ખાતરી આપવાનો પણ પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું હતું કે, આ મુદ્દો એક ખાનગી બિલ્ડર અને જૈન સમુદાય વચ્ચેનો છે. અમે સમુદાયની લાગણીઓને ધ્યાનમાં લીધી છે. અમે એવું વલણ અપનાવ્યું છે અને અમે જૈન સમુદાયની ઇચ્છા મુજબ ઉકેલ શોધવા માટે કામ કરી રહ્યા છીએ. ભાજપ સમુદાય સાથે સંબંધો સુધારવાનો પ્રયાસ કરી રહ્યો છે.



