ભાજપનો થાણેમાં ‘એકલા ચલો રે’નો સંકેત?: એકનાથ શિંદેને પડકારવાનો પ્રયાસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં આગામી દિવસોમાં મુંબઈ અને થાણે જેવી મહત્ત્વની મહાનગરપાલિકાની ચૂંટણીઓ આયોજિત થવાની છે ત્યારે ભાજપે એવી ચાલ રમી છે જેનાથી ભાજપ ‘એકલા ચલો રે’ નીતિ અપનાવી રહી છે કે કેમ એવો સવાલ થાય છે. એટલું જ નહીં, ભાજપનો રાજ્યના રાજકારણમાં આ પ્રયોગ અનેક સંકેતો આપી રહ્યો છે.
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અનિયમિતતાઓ અને કથિત ભ્રષ્ટાચાર સામે સતત આક્રમક વલણ અપનાવનારા અને શિંદેના કટ્ટર વિરોધી નેતાઓ વન ખાતાના પ્રધાન ગણેશ નાઈક અને વિધાનસભ્ય સંજય કેળકરને થાણે જિલ્લાની ચૂંટણીઓની જવાબદારી સોંપીને ભાજપે એક રીતે શિંદેને પડકાર આપ્યો હોવાની ચર્ચા હવે ચાલી રહી છે.
આપણ વાચો: ભાજપના સર્વેથી શિંદે જૂથમાં ચિંતા મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા મોટી ઉથલપાથલ થવાના સંકેત?
કેલકરે અને નાઈક એવા લોકોમાં સામેલ છે જેઓ આગ્રહ રાખે છે કે ભાજપે થાણે, નવી મુંબઈ સહિત સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પોતાના દમ પર લડવી જોઈએ. નાઈકે પહેલેથી જ જાહેરાત કરી છે કે થાણેમાં ફક્ત કમલ જ હશે. આ પૃષ્ઠભૂમિમાં, આ બંનેની પસંદગી શિંદે માટે પડકાર માનવામાં આવી રહી છે.
વનમંત્રી બન્યા પછી, ગણેશ નાઈકે એકનાથ શિંદેની ટીકા કરવાની એક પણ તક ગુમાવી નથી. શિંદેના મતવિસ્તાર કોપરી વિસ્તારમાં નાઈકે આયોજિત સભામાં ‘થાણેમાં ફક્ત ભાજપ’નું આવ્હાન કર્યું હતું. ત્યારબાદ વર્તકનગર સ્થિત ભાજપ વિભાગ કાર્યાલયમાં એક બેઠકમાં નાઈકે કહ્યું હતું કે, ‘જો ભાજપ થાણેમાં સત્તા મેળવવા માગે છે, તો અહીંના અહંકાર જેવા રાવણને બાળી નાખવો પડશે.’
નાઈકે એમ પણ કહ્યું હતું કે જો કાર્યકરો સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પોતાના દમ પર લડવા માગતા હોય, તો હું નેતાઓ સમક્ષ તમારો પક્ષ રજૂ કરનારો પહેલો વ્યક્તિ બનીશ. આ પૃષ્ઠભૂમિમાં, બુધવારે ભાજપે સ્થાનિક સંસ્થાઓ માટે જિલ્લા ચૂંટણી પ્રભારીની નિમણૂક કરી, જેના કારણે એકનાથ શિંદેના સમર્થકોમાં અસ્વસ્થતા ફેલાઈ ગઈ છે.
નાઈકને થાણે સહિત થાણે, નવી મુંબઈ, થાણે ગ્રામીણ, ભિવંડી, મીરા ભાઈંદર, ઉલ્હાસનગર અને કલ્યાણ, ડોમ્બિવલીની જવાબદારી સોંપવામાં આવી છે. નવી મુંબઈમાં, ભાજપે સંજીવ નાઈકને ચૂંટણી વડાનું પદ સોંપીને અહીં પણ ગણેશ નાઈકના હાથમાં જ બધી બાજી રાખી છે.
ભાજપના થાણે શહેર મતવિસ્તારના વિધાનસભ્ય સંજય કેળકર છેલ્લા કેટલાક વર્ષોથી એકનાથ શિંદેની શિવસેના સામે સતત આક્રમક વલણ અપનાવી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અનિયમિતતા, કથિત ભ્રષ્ટાચાર અને ગેરકાયદે બાંધકામો જેવા મુદ્દાઓ પર કેળકરના વલણથી શિંદે સેનામાં અસ્વસ્થતા ફેલાઈ છે.
આપણ વાચો: ફડણવીસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો શંખ ફૂંક્યો ક્યારે ચૂંટણીઓ થશે તેની તારીખ આપી…
કેલકરે અગાઉ એકનાથ શિંદેના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ, અપ્પા દવાખાના યોજનામાં શ્રેણીબદ્ધ વિવાદો ઉભા કર્યા હતા. આ દરમિયાન, ભાજપે સંજય કેળકરને સમગ્ર થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારના ચૂંટણી વડા તરીકે નિયુક્ત કરીને આક્રમક વલણ અપનાવ્યું છે. નાઈક અને કેળકર બંનેનો મત છે કે ભાજપે પોતાના દમ પર ચૂંટણી લડવી જોઈએ. નાઈક નવી મુંબઈમાં મહાયુતિ ઇચ્છતા નથી.
આ બાબતે જ્યારે એકનાથ શિંદેની પાર્ટીના એક મોટા નેતાને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ભાજપે ચૂંટણી પ્રભારીઓ અને મુખ્ય હોદ્દાઓ પર પ્રધાનો, સાંસદો અને વિધાનસભ્યોની નિમણૂંક કરી છે. તેથી, ગણેશ નાઈક અને કેળકરની નિમણૂંકમાં કંઈ ખાસ નથી. એકનાથ શિંદેને પડકારવાનો કોઈ સવાલ જ નથી. મહાયુતિ થશે કે નહીં તે વરિષ્ઠ નેતાઓ નક્કી કરશે. નાઈક અને કેળકરને નહીં.



