લંડન’ મુદ્દે ઠાકરે કુટુંબ પર ભાજપનો હલ્લાબોલ,ભાજપ અને શિવસેના વચ્ચે ‘લંડન વૉર’
વિધાનસભાના રણ માટે અત્યારથી જ ટીકાસ્ત્રોનો મારો

મુંબઈ: મહારાષ્ટ્ર લોકસભાની ચૂંટણી માટે મતદાન નહોતું થયું ત્યાં સુધી સત્તાધારી પક્ષ મહાયુતિના અને વિપક્ષ મહાવિકાસ આઘાડીનાનેતાઓ એકબીજા ઉપર સતત પ્રહારો કરી રહ્યા હતા. જોકે ફક્ત ચાર જ મહિનામાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પણ થનારી હોવાથી હજી સુધી નેતાઓના ટીકાસ્ત્રો સજ્જ છે અને એકબીજા પર પ્રહાર કરવાનો એકપણ મોકો નથી ચૂકી રહ્યા.
ખાસ કરીને ભાજપ દ્વારા ‘લંડન’નો મુદ્દો ઉઠાવીને ઠાકરે કુટુંબ પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. લોકસભાની ચૂંટણી બાદ ઠાકરે કુટુંબ મુંબઈની બળબળતી ગરમી અને ચૂંટણી પ્રચારનો થાકોડો દૂર કરવા વેકેશન માણવા લંડનની ટુર પર છે. જેને પગલે દરેક મુદ્દે ભાજપ દ્વારા લંડનનો વિષય કાઢીને ઠાકરે જૂથ પર નિશાન સાધવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : ઉદ્ધવ ઠાકરે રંગ બદલતો કાચિંડો છે; આટલી ઝડપથી રંગ બદલતો કાચિંડો ક્યારેય જોયો નથી: એકનાથ શિંદે
લંડન ન જઇ શકું, મારે રાજ્ય સંભાળવાનું છે: એકનાથ શિંદે
સૌપ્રથમ તો આ બાબતે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે તે(ઉદ્ધવ ઠાકરે)ને લંડન જવાનું પરવડે, પરંતુ મુખ્ય પ્રધાન તરીકે મારો રાજ્યના કામો પર ધ્યાન રાખવું પડે. દુકાળ ન પડે એ માટેના ઉપાયો, નાળાસફાઇનું નિરીક્ષણ આ બધા કામો કરવાના હોય. મુંબઈ ભાજપના એક નેતાએ પણ ઉદ્ધવ ઠાકરે પર નિશાન તાકતા કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેએ લંડનની નાળાસફાઇનું નિરીક્ષણ કરવું જોઇએ.