આમચી મુંબઈમહારાષ્ટ્ર

મસ્જિદના મામલે તંગદિલી બાદ આદિત્ય ઠાકરેએ કહી દીધી આ મોટી વાત…

મુંબઈઃ ધારાવીમાં આવેલી મસ્જિદનો ગેરકાયદે ભાગ તોડી પાડવા પહોંચેલી મુંબઈ મહાપાલિકાની ટીમના વાહનો અને અન્ય વાહનોની ભીડ દ્વારા થયેલી તોડફોડ બાદ વિસ્તારમાં માહોલ બિચકાયો અને તંગદિલી વધી હતી. જેને પગલે ત્યાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો અને મામલો શાંત કરવાના પ્રયાસો શરૂ થઇ ગયા હતા. આ બધા વચ્ચે ઉદ્ધવ ઠાકરે જૂથના વિધાનસભ્ય આદિત્ય ઠાકરે તેમ જ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નિવેદન સામે આવ્યા છે. આદિત્ય ઠાકરેએ ભાજપ અને સાથી પક્ષો પર ગંભીર આરોપો મૂક્યા છે જ્યારે ફડણવીસે સરકાર શાંતિ સ્થાપિત રહે એ માટે પ્રયત્નશીલ હોવાની વાત કહી હતી.

ચૂંટણી પહેલા રમખાણો કરાવવાનો સરકારનો પ્રયાસ: આદિત્ય ઠાકરે
આદિત્ય ઠાકરેએ આ મુદ્દે પ્રતિક્રિયા આપતા મહાયુતિની સરકાર પર રમખાણો ભડકાવવાનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે રાજ્યમાં ચૂંટણી યોજાય એ પહેલા હિંદુ-મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય ઊભું કરવાનો ભાજપ અને શિંદે સરકારનો આ છેલ્લો પ્રયાસ છે. ભાજપ અને તેના સાથી પક્ષો રાજ્યમાં ધાર્મિક અને જાતિય દ્વેષભાવ પેદા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એક બાજુ તે કહે છે બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાઓ થઇ રહ્યા છે અને બીજી બાજુ તમે બાંગ્લાદેશની ટીમ સાથે ક્રિકેટ રમી રહ્યા છો.

મસ્જિદ કમિટીએ લેખિતમાં આપ્યું એ મુજબ કાર્યવાહી: ફડણવીસ
નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ મામલે જણાવ્યું હતું કે ગેરકાયદે બાંધકામ હટાવવાના અદાલતના આદેશને પગલે જ પાલિકાએ આ પહેલા પણ મસ્જિદના ગેરકાયદે બાંધકામને તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરી હતી. જોકે, એ વખતે ઇદનો તહેવાર પૂરો થયા બાદ આ કાર્યાહી કરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી હતી. તેથી આજે પાલિકાની ટીમ કાર્યવાહી માટે ત્યાં ગઇ હતી. એ દરમિયાન મસ્જિદ કમિટીએ આવતા ચાર-પાંચ દિવસમાં તે પોતે ગેરકાયદે બાંધકામ હટાવશે તેવી બાંહેધરી આપતા ટીમ પાછી આવી ગઇ હતી. રાજ્યમાં કોઇ પરિસ્થિતિમાં કાયદા-વ્યવસ્થાની સમસ્યા ન ઉદ્ભવે એવો અમારો પ્રયાસ છે. મને વિશ્ર્વાસ છે કે મસ્જિદ કમિટીએ પાલિકાને લેખિતમાં આપેલી બાંહેધરી મુજબ તે આગળની કાર્યવાહી કરશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button