મહારાષ્ટ્ર ચૂંટણી માટે ભાજપનું સર્વેક્ષણ: સાંસદો – વિધાનસભ્યોની ચિંતામાં વધારો
મુંબઈ: શિવસેના, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષમાં ફાટફૂટ તેમજ સ્થિર થઈ રહેલી એકનાથ શિંદે – દેવેન્દ્ર ફડણવીસ – અજિત પવારની સરકાર જેવા સમીકરણોની પાર્શ્ર્વભૂમિ પર ભારતીય જનતા પક્ષે આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. ભાજપે અંતર્ગત સર્વેક્ષણ કરી એને આધારે એક અહેવાલ તૈયાર કર્યો હોવાથી ભાજપના અનેક સંસદસભ્ય અને વિધાન સભ્યની ચિંતામાં વધારો થયો છે. આગામી લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપ દ્વારા આવા બે – ત્રણ સર્વે કરવામાં આવશે. ખરાબ કામગીરી કરનારા સંસદ સભ્ય – વિધાનસભ્યની કામગીરીમાં જો સુધારણા નજરે નહીં પડે તો તેમને ફરી ઉમેદવારી નહીં મળે એવી પૂરી સંભાવના છે.
શુક્રવારે ગરવારે ક્લબમાં ભાજપના વિધાનસભાના સભ્યો, વિધાન પરિષદના સભ્યો, લોકસભાના સંસદ સભ્ય, રાજ્યસભાના સંસદસભ્યની વિભાગવાર બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારથી મોડી રાત સુધી ચાલેલી આ બેઠકમાં રાષ્ટ્રીય સંયુક્ત મહામંત્રી શિવપ્રકાશ, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે હાજર હતા. એ વખતે બધા વિધાનસભ્ય અને સંસદસભ્યોને એક બંધ કવર આપી એ ઉઘાડવા કહેવામાં આવ્યું હતું. એ કવરમાં સંસદસભ્ય અને વિધાનસભ્યની પોતપોતાના મતદાર સંઘમાં લોકપ્રિયતા, સોશિયલ મીડિયા પર તેઓ કેટલા સક્રિય છે, તેમના વિકાસ કાર્ય, પ્રચાર વગેરે મુદ્દાની જાણકારી આપવામાં આવી હતી.
સર્વેક્ષણમાં ૫૦થી ઓછા માર્ક મેળવનારા સંસદ સભ્ય અને વિધાનસભ્યને તેમની કામગીરી સુધારવા સૂચના આપવામાં આવી હતી. ૫૦ – ૬૦ માર્ક મેળવનારને વધુ સક્રિય થવા કહેવામાં આવ્યું હતું જ્યારે ૬૦થી વધુ માર્ક મેળવનારા સંસદસભ્ય અને વિધાનસભ્યને તેમની કામગીરી જેમ ચાલી રહી છે એમ જ ચાલુ રાખવા કહેવામાં આવ્યું હતું. શિવપ્રકાશ અને ફડણવીસે અમુક સંસદસભ્ય અને વિધાનસભ્યના કાન આમળ્યા હોવાનું કહેવાય છે. રાજ્યમાં લોકસભાના ૨૩ સંસદસભ્ય છે. એમાંથી પાંચ-સાત સંસદસભ્યની કામગીરી ખરાબ રહી છે. મતદારો અને સ્થાનિક પદાધિકારીઓ તેમનાથી નાખુશ છે. વિધાનસભાના ૧૦૫ સભ્યમાંથી ૨૫ – ૩૦ની કામગીરીથી મતદારો નારાજ છે. તેમને વધુ સક્રિય થવા કહેવામાં આવ્યું છે.