આગામી મુંબઇ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની એકલા ચાલોની નીતિ!

મુંબઇઃ મહારાષ્ટ્રમાં ત્રણ મહિના પહેલા વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી જેમાં મહાયુતિએ 132 બેઠકો જીતીને ઇતિહાસ રચી દીધો હતો. આ જીત બાદ મહારાષ્ટ્ર ભાજપના નેતાઓનો ઉત્સાહ વધ્યો છે. નેતાઓ એવું વિચારી રહ્યા છે કે પાર્ટીએ આગામી ચૂંટણી પોતાના દમ પર જ લડવી જોઈએ. તાજેતરમાં ભાજપ કોર કમિટીની બેઠક યોજાઈ હતી, જેમાં વરિષ્ઠ નેતાઓએ આ અંગે ચર્ચા કરી હતી અને તેઓએ સ્વબળ પર ચૂંટણી લડવાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. આધારભૂત સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ રાજ્યના નેતાઓના અભિપ્રાય સાથે સંમત છે.
મહાનગરપાલિકાની ચૂંટણીમાં એકલા હાથે લડવાની ભાજપની યોજનાને કારણે શિંદેની શિવસેનામાં હંગામા મચી ગયો છે નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું છે કે મહાયુતીમાં સામેલ ત્રણેય પક્ષોએ સાથે મળીને ચૂંટણી લડવી જોઈએ. એકલા હાથે ચૂંટણી લડવાથી મહાયુતિના તમામ પક્ષોને નુકસાન થઈ શકે છે.
શિંદે અને ફડણવીસ વચ્ચે ઘર્ષણઃ-
મહાયૂ સરકારની રચના થઈ છે ત્યારથી એકનાથ શિંદેની નારાજગીના સમાચાર સતત સામે આવી રહ્યા છે. શરૂઆતમાં એવું જાણવા મળ્યું હતું કે શિંદે મુખ્યપ્રધાન પદ નહીં મળવાથી નારાજ છે. ભાજપે મહાયુતિમાં સૌથી વધુ બેઠકો જીતીને મુખ્યપ્રધાન પદનો દાવો કર્યો હતો અને દેવેન્દ્ર ફડણવીસને મુખ્ય પ્રધાન બનાવ્યા હતા. ત્યારબાદ શિંદેએ સરકારની રચનામાં નાયબ મુખ્યપ્રધાન પદ લેવું કે નહીં તે અંગે અંત સુધી કોઈ નિર્ણય લીધો ન હતો. રાષ્ટ્રીય વર્તુળોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે સરકારની અંદર પણ આ બંને નેતાઓ વચ્ચે એક છુપુ ઘર્ષણ ચાલી રહ્યું છે.
આ પણ વાંચો…નવી મુંબઈમાં રિક્ષા ચોરનારો પકડાયો: બુલઢાણાથી 18 વાહન જપ્ત
એકનાથ શિંદે જૂથના નેતાઓ જણાવે છે કે મહાયુતિ ગઠબંધનમાં સાથે રહીને લડીશું તો મતદારો પણ મહાયુતિની સાથે જ રહીને પક્ષને મત આપશે. મહાયુતિમાં સાથે રહીને નહીં લડવાથી મતદારો પર અસર પડશે. ભાજપએ આ અંગે ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. શિવસેના તો મહાયુતિ ગઠબંધન સાથે ચૂંટણી લડવા માંગે છે.