અંધેરીમાં ભાજપના ભૂતપૂર્વ સાંસદના ભત્રીજાએ કરી આત્મહત્યા…

મુંબઈ: બિલ્ડિંગના છઠ્ઠા માળેથી કૂદકો મારી ભાજપના ભૂતપૂર્વ સંસદ સભ્યના ભત્રીજાએ કથિત આત્મહત્યા કરી હોવાની ઘટના અંધેરીમાં બની હતી.
અંધેરી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે મૃતકની ઓળખ સાગર રામકુમાર ગુપ્તા (21) તરીકે થઈ હતી. સાગર ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ સાંસદ સંગમ લાલ ગુપ્તાનો ભત્રીજો હોવાનું જાણવા મળ્યું હતું.
અંધેરી પૂર્વમાં અંબુજવાડી ખાતેની હરિદર્શન બિલ્ડિંગના સાતમા માળે રહેતો સાગર એન્જિનિયરિંગનો વિદ્યાર્થી હતો. મંગળવારની બપોરે કૉલેજમાંથી ઘરે આવેલો સાગર પરિવારના સભ્યોને કંઈ કહ્યા વિના બિલ્ડિંગના છઠ્ઠા માળે ગયો હતો. છઠ્ઠા માળેથી ડક એરિયામાં તેણે કૂદકો માર્યો હતો.
સાગર નીચે પડતાં જ અવાજ સાંભળીને ઈમારત પરિસરમાંથી પસાર થનારા અમુક રહેવાસીઓ દોડી આવ્યા હતા અને ઘટનાની પોલીસને જાણ કરી હતી. લોહીલુહાણ હાલતમાં બેભાન સાગરને નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસને ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળી નહોતી. પરિણામે તેણે અંતિમ પગલું શા માટે ભર્યું તેની જાણ થઈ શકી નહોતી. આ પ્રકરણે અંધેરી પોલીસે એડીઆર નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. સાગર કોઈ વાતને લઈ ડિપ્રેશનમાં હતો કે કેમ તેની જાણકારી મેળવવા પોલીસ તેના કૉલેજના મિત્રોની પૂછપરછ કરશે, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)