અજિત પવાર વિરુદ્ધ ભાજપના જ વિધાનસભ્યો પડ્યા મેદાનેઃ આ સંઘ કાશી કેમ પહોંચશે?
મુંબઈઃ એકસાથે ત્રણ પક્ષના અહંકાર ટકરાય ત્યારે ટકી રહેવું મુશ્કેલ બની જાય છે. આવી હાલત હાલમાં મહાયુતીમાં જોવા મળે છે. લોકસભાની ચૂંટણી સમયે ભાજપ રાષ્ટ્રીય પક્ષ હોવાથી અને શિંદેસેના તેમ જ અજિત પવારની એનસીપી પ્રાદેશિક પક્ષ હોવાથી ભાજપનો હાથ ઉપર રહ્યો અને સાથી પક્ષો સાથે તાલમેલ બેસી ગયો, પરંતુ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ જેટલી જ તાકાત શિંદેસેના અને અજિત પવારની એનસીપી બતાવી રહી છે, આથી ત્રણેય પક્ષોના હીત સાચવવા અને ટિકિટ ઈચ્છુકોને રાજી રાખવા શકય નથી. હજુ તો બેઠકો ને ટિકિટ વહેંચણીની ચર્ચાઓ ચાલે છે ત્યાં જ ત્રણેય પક્ષો ક્યાંક ને ક્યાંક એકબીજાથી ટકરાયા કરે છે.
પુણે-પિમ્પરી ચિંચવડ અજિત પવારનો ગઢ માનવામાં આવે છે, પરંતુ અહીં ભાજપ જ તેના વિરોધમાં ઊભો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.ભાજપનાં વિધાન પરિષદનાં ધારાસભ્ય ઉમા ખાપરે અને અમિત ગોરખેએ પક્ષના પદાધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કાર્યકરોમાં રાષ્ટ્રવાદ વિરોધી સૂર ઉભરી આવ્યો હતો. કાર્યકરોએ બેઠકમાં આરોપ લગાવ્યો હતો કે અજિત પવારની એનસીપીએ લોકસભામાં મહાયુતી માટે પ્રચાર કર્યો નથી. આથી પુણેના ભાજપના ધારાસભ્યોએ અજિત પવારની એનસીપી વિરુદ્ધ ઠરાવ પસાર કર્યો છે. ધારાસભ્ય ઉમા ખાપરે અને ધારાસભ્ય અમિત ગોરખેએ NCP માટે પ્રચાર ન કરવાનો નિર્ણય લીધો છે. આ નેતાઓ અજિત પવાર જૂથના નેતા અન્ના બનસોડના વિરોધમાં છે.
ભાજપના નેતાઓએ નક્કી કર્યું છે કે તે અજિત પવારની એનસીપી માટે પિંપરી વિધાનસભામાં પ્રચાર નહીં કરે. ધારાસભ્ય ઉમા ખાપરે અને ધારાસભ્ય અમિત ગોરખે, ભાજપ નેતા સદાશિવ ખાડે, ભાજપના પ્રવક્તા રાજુ દુર્ગેએ પાર્ટીની બેઠકમાં આ ઠરાવને મંજૂરી આપી છે. આ તમામ ધારાસભ્ય અન્ના બનસોડની ઉમેદવારીનો વિરોધ કરી રહ્યા છે. લોકસભાની ચૂંટણીમાં અહીંની સંસદીય બેઠક પરથી કમળનો ઉમેદવાર ચૂંટાયો નહીં, આથી અહીં કમળનો એટલે કે ભાજપનો ઉમેદવાર ઊભો રાખવામાં આવે તેવી માગણી તેઓ કરી રહ્યા છે.
આ બેઠકમાં અજિત પવારની એનસીપીએ ભાજપને લોકસભામાં સાથ આપ્યો ન હતો અને પ્રચારમાં સહભાગી થયા ન હોવાનો આક્ષેપ કર્યો હતો. તેઓ યુતી કે ગઠબંધનનો ધર્મ નિભાવતા નથી, આથી ભાજપ પણ તેમની મદદે નહીં જાય તેવા નિવેદન તેમણે આપ્યા હોવાાન મીડિયા અહેવાલો છે.
આ માત્ર એક બે બેઠક નહીં, મુંબઈ સહિત રાજ્યની ઘણી બેઠકો મામલે ત્રણેય પક્ષોમાં ખેંચતાણ ચાલી રહી હોવાના અહેવાલો આવતા રહે છે. ત્રણેય પક્ષના નેતાઓ માટે ટિકિટની વહેંચણી મુશ્કેલ બની રહી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ત્યારે આ યુતી ચૂંટણી સુધી રહેશે કે કેમ તેવા સવાલો પણ થઈ રહ્યા છે.