આમચી મુંબઈ

ભાજપના વિધાનસભ્ય દ્વારા શિંદે જૂથના નેતા પર ગોળીબાર મેં જાતે તેને ગોળી મારી, મને એનો કોઇ અફસોસ નથી: ગણપત ગાયકવાડ

મુંબઈ: ઉલ્હાસનગરના હિલલાઇન પોલીસ સ્ટેશનમાં એકનાથ શિંદે જૂથના નેતા મહેશ ગાયકવાડ પર ગોળીબાર કરનારા ભાજપના વિધાનસભ્ય ગણપત ગાયકવાડે તેની ધરપકડ અગાઉ જણાવ્યું હતું કે ‘હા, મેં જાતે તેને ગોળી મારી, મને તેનો કોઇ અફસોસ નથી. મારા પુત્રને પોલીસ સ્ટેશનમાં પોલીસની હાજરીમાં માર મારવામાં આવે તો મારે શું કરવું જોઇએ.’ ગાયકવાડે દાવો કર્યો હતો કે તેણે પાંચ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો.
ભાજપના વિધાનસભ્યએ આક્ષેપ કર્યો હતો કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે મહારાષ્ટ્રમાં ‘ગુનેગારોનું સામ્રાજ્ય’ ઊભું કરવાના પ્રયાસ કરી રહ્યા છે. જો એકનાથ શિંદે મુખ્ય પ્રધાન હશે તો મહારાષ્ટ્રમાં માત્ર ગુનેગારો જ જન્મશે. તેમણે આજે મારા જેવી સારી વ્યક્તિને ગુનેગાર બનાવી છે, એમ કહીંને તેણે પોતે સ્વબચાવમાં આ કૃત્ય કર્યું હોવાનું જણાવ્યું હતું.

તેણે મુખ્ય પ્રધાન શિંદેના પુત્ર અને કલ્યાણના સાંસદ શ્રીકાંત શિંદે પર બોર્ડ લગાવવાનો અને પોતે કરેલા કામનો શ્રેય લેવાનો આરોપ લગાવ્યો હતો. મેં મારા વરિષ્ઠોને અનેકવાર જણાવ્યું હતું કે આ લોકો મારા નેતાઓ વિરુદ્ધ હિંસા કરી રહ્યા છે.

ફડણવીસે આપ્યો તપાસનો આદેશ
આ ચોંકાવનારી ઘટના બાદ મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન તેમ જ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ આપ્યો છે. ભાજપના વિધાનસભ્યએ શા માટે અને કઇ પરિસ્થિતિમાં ગોળીઓ ચલાવી એ સહિતની રજેરજની માહિતી મેળવવા માટે તપાસનો આદેશ ફડણવીસે આપ્યો હતો.

તપાસના આદેશ આપી દેવાયા હોવાની જાણકારી આપતા દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે “આ ઘટના અત્યંત ગંભીર છે અને મેં ડીજીપી(ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ)ને એક ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવાનો આદેશ આપ્યો છે. કાયદા માટે બધા જ સમાન છે પછી તે ભલે કોઇપણ રાજકીય પક્ષ સાથે જોડાયેલા હોય.

ઘટના દુર્ભાગ્યપૂર્ણ: શિંદે
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પોતે થાણેની જ્યુપિટર હૉસ્પિટલમાં જઇને મહેશ ગાયકવાડના ખબરઅંતર પૂછ્યા હતા અને તેમની સ્થિતિની માહિતી મેળવી હતી. ગાયકવાડના તબિયત વિશે જાણકારી મેળવ્યા બાદ તેમણે તેમના ઉપચાર અંગે ડૉક્ટરો સાથે ચર્ચા પણ કરી હતી. તેમણે આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવીને ગાયકવાડ જલદી સાજા થઇ જાય એવી પ્રાર્થના કરી હતી. —————
ગાયકવાડની હાલત ગંભીર,
હાલ વેન્ટિલેટર ઉપર

ગાયકવાડની તબિયત વિશે હૉસ્પિટલે વિસ્તારમાં બુલેટીન બહાર પાડ્યું છે જેમાં તેમની હાલત વિશે જણાવવામાં આવ્યું છે. હૉસ્પિટલે જણાવ્યા મુજબ ગાયકવાડની હાલત ગંભીર છે. બુલેટીનમાં જણાવાયા મુજબ પેશન્ટ મહેશ ગાયકવાડને છ ગોળીઓના જખમો સાથે બીજી ફેબ્રુઆરી ૨૦૨૪ની રાતે હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને તેમના ઉપર રાત્રે જ ઇમરજન્સી સર્જરી કરવામાં આવી હતી જેના કારણે તેમનો જીવ બચી શક્યો હતો. સર્જરી બાદ તેમને ઇન્ટેન્સિવ કેર યુનિટમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.

વિપક્ષોની જોરદાર ટીકા
મુંબઈ: ભાજપના વિધાન સભ્યએ થાણે જિલ્લામાં જમીન વિવાદમાં શિવસેનાના નેતાને ગોળી મારીને ઘાયલ કર્યા બાદ મહારાષ્ટ્રના વિપક્ષે શનિવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના રાજીનામાની માગણી કરી હતી. ભાજપ અને શિંદેની આગેવાની હેઠળની સેના રાજ્યમાં શાસક ભાગીદાર છે.
કૉંગ્રેસે દાવો કર્યો હતો કે આ ઘટના રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા ‘ભંગાણ’ તરફ નિર્દેશ કરે છે, જ્યારે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના(યુબીટી ) એ કહ્યું કે શિંદે તેના માટે ‘જવાબદાર’ છે. એનસીપી પ્રમુખ શરદ પવારે તેને ચિંતાજનક ગણાવ્યું અને કહ્યું કે સત્તાના ‘દુરુપયોગ’ની એક મર્યાદા હોય છે.
રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા વિજય વડેટ્ટીવારે ગોળીબારને ‘સત્તાના ઘમંડ’ અને ‘બદલાની રાજનીતિ’ માટે જવાબદાર ગણાવ્યો અને શિંદે પર રાજ્યમાં ટોળાની સંસ્કૃતિને ‘પ્રોત્સાહિત’ કરવાનો આરોપ મૂક્યો. ‘ત્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચિંતાજનક છે,’ તેમણે કહ્યું.
પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે ભાજપના વિધાન સભ્ય દ્વારા મુખ્ય પ્રધાન પર લગાવવામાં આવેલા આરોપો ગંભીર છે અને તેમણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ.
શિવસેના (યુબીટી) નેતા સંજય રાઉતે ગોળીબારની ઘટના માટે મુખ્ય પ્રધાનને જવાબદાર ગણાવતા આક્ષેપ કર્યો હતો કે થાણે, મુંબઈ અને કોલ્હાપુરની જેલોમાંથી ગુનેગારોને ચૂંટણીમાં સત્તાધારી પક્ષને મદદ કરવા માટે જામીન પર મુક્ત કરવામાં આવી રહ્યા છે.
એનસીપીના કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુળેએ આશ્ર્ચર્ય વ્યક્ત કર્યું કે શું ગૃહ પ્રધાન (ડેપ્યુટી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ) એ ભાજપના નેતાઓને કાયદો અને વ્યવસ્થા સાથે રમવાનું ખુલ્લું લાઇસન્સ આપ્યું છે. પુણેમાં, ભાજપના વિધાન સભ્યએ પોલીસ અધિકારીને જાહેરમાં થપ્પડ મારી હતી, જ્યારે ઉલ્હાસનગરમાં, બીજેપીના અન્ય વિધાન સભ્યએ પોલીસ સ્ટેશનમાં ભૂતપૂર્વ કોર્પોરેટર પર ગોળીબાર કર્યો હતો. મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન મૌન સેવી રહ્યા છે,
છગન ભુજબળ અને એનસીપીના જૂથ નેતા (અજિત પવાર)એ સુળેના આરોપનો પલટવાર કરતા કહ્યું કે “શું ફડણવીસે વિધાન સભ્યને ગોળીબાર કરવાનું કહ્યું હતું?

નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કહ્યું કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે કાયદો પોતાના હાથમાં લેવો ખોટું છે. હું દેવેન્દ્ર ફડણવીસ સાથે આ મુદ્દે ચર્ચા કરીશ.

ગણપત ગાયકવાડને ૧૪ ફેબ્રુ. સુધીની પોલીસ કસ્ટડી
થાણે: ઉલ્હાસનગરમાં પોલીસ સ્ટેશનમાં એકનાથ શિંદે જૂથના નેતા પર ગોળીબાર કરવા બદલ ધરપકડ કરાયેલા ભાજપના વિધાનસભ્ય ગણપત ગાયકવાડને શનિવારે કોર્ટમાં હાજર કરાતાં તેને ૧૪ ફેબ્રુઆરી સુધીની પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી.
ગણપત ગાયકવાડ, તેના ખાનગી બોડીગાર્ડ હર્ષલ કેણે તથા સંદીપ સરવણકરને ઉલ્હાસનગરમાં ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં શનિવારે સાંજે હાજર કરવામાં આવ્યા હતા. મેજિસ્ટ્રેટ એ. એ. નિકમે ત્રણેય જણને પોલીસ કસ્ટડી ફટકારી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?