મહારાષ્ટ્રના ભાજપ પ્રદેશપ્રમુખે આ નિવેદન આપીને સૌને ચોંકાવ્યા, જાણો શું કહ્યું?
મુંબઈ: લોકસભાની ચૂંટણી (Lok Sabha Election results)માં મહારાષ્ટ્રમાં મહાયુતિને અપેક્ષા પ્રમાણે પરિણામો નહીં મળ્યા પછી આ વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની આગેવાનીના પક્ષો ઝંપલાવશે, ત્યારે આ વખતે મહારાષ્ટ્રમાં ભાજપવતી મુખ્ય પ્રધાનના ઉમેદવારની જાહેરાત કરીને પાર્ટીએ સૌને ચોંકાવ્યા છે.
થોડા જ મહિનામાં મહારાષ્ટ્ર વિધાનસભાની મુદત પૂરી થવાની હોઇ ઓક્ટોબરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે રાજ્યમાં તેની તૈયારીઓ અત્યારથી જ શરૂ થઇ ગઇ છે. જોકે ભાજપ (ભારતીય જનતા પાર્ટી) સાથે અજિત પવારની એનસીપી અને એકનાથ શિંદેની શિવસેના જોડાતા હવે મહાયુતિનો મુખ્ય પ્રધાન પદનો ચહેરો કોણ હશે તેની ચર્ચા થઇ રહી છે. જોકે, હજી સુધી આ બાબતે કોઇ ચર્ચા ન થઇ હોવાનું મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ જણાવ્યું હતું.
મુખ્ય પ્રધાનનો ચહેરો કોણ હશે એ બાબતે ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ અને મહાયુતિના સાથી પક્ષો નિર્ણય લેશે, તેમ બાવનકુળેએ જણાવ્યું હતું. દિલ્હીમાં ભાજપના ટોચના નેતૃત્વ સાથેની બેઠક બાદ નાગપુર પાછા ફરેલા બાવનકુળેએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ જ ભાજપના મુખ્ય નેતા રહેશે.
આ ઉપરાંત બાવનકુળેએ દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં કયા મુદ્દે ચર્ચા કરવામાં આવી તેની માહિતી પણ આપી હતી. બેઠકમાં લોકસભાની ચૂંટણીમાં મહાયુતિના ખરાબ દેખાવ અંગે ચર્ચા કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. મહાવિકાસ આઘાડીની સરખામણીમાં મહાયુતિને મળેલા મતોની ટકાવારી 0.3 ટકા ઓછી શા માટે થઇ એમુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
મહાયુતિના મુખ્ય પ્રધાન પદના ચહેરા વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે અમારું લક્ષ્ય મહારાષ્ટ્રના વિકાસ અને મહારાષ્ટ્રના લોકોના કલ્યાણનું છે. મહાવિકાસ આઘાડીની જેમ અમારા મુખ્ય પ્રધાન પદના પાંચ કે છ દાવેદાર નથી. આ બાબતે મહારાષ્ટ્રનો કાર્યભાર જોનારા કેન્દ્રીય નેતૃત્વના ભૂપેન્દ્ર યાદવ, અશ્વિની વૈષ્ણવ, અજિત પવાર, એકનાથ શિંદે એકસાથે ચર્ચા કરીને નિર્ણય લેશે.
Also Read –