મહારાષ્ટ્રની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પરિણામોમાં ભાજપ જીત તરફ અગ્રેસર, ભાજપે ખુશી વ્યક્ત કરી…

નવી દિલ્હી : મહારાષ્ટ્રની 29 મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓના પરિણામો જાહેર થઇ રહ્યા છે. જેમાં ભાજપ જીત તરફ અગ્રેસર છે. ભાજપે આ જીત પર ખુશી વ્યક્ત કરી છે. ભાજપે પાર્ટીને મળેલા આ સમર્થનની તુલના છત્રપતિ શિવાજી મહારાજની સેના સાથે કરી છે. આ અંગે ભાજપના રાજ્યસભા સાંસદ અને પાર્ટીના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે પહેલા અમને બિહારમાં સફળતા મળી છે અને હવે મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓમાં જીત મળી રહી છે.
29 મ્યુનિસિપલ કોર્પોરેશનોના ચૂંટણી પરિણામોની ગણતરી
મહારાષ્ટ્રના 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોના ચૂંટણી પરિણામોની ગણતરી આજે સવારે 10 વાગ્યે શરૂ થઈ છે. તેમજ અત્યાર સુધીના વલણો દર્શાવે છે કે ભાજપ મહારાષ્ટ્રની અનેક મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં સ્પષ્ટ બહુમતી મેળવી શકે છે.જેમાં ભાજપ-શિવસેના ગઠબંધન બીએમસીમાં આગળ છે.આ દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર દીપક કાલેએ બીએમસી ચૂંટણીમાં વોર્ડ નંબર 183 જીતીને પ્રથમ સત્તાવાર વિજય નોંધાવ્યો છે.
જનતાનો વિનમ્રતા પૂર્વક આભાર
આ અંગે ભાજપના પ્રવકતા સુધાંશુ ત્રિવેદીએ જણાવ્યું કે, મહારાષ્ટ્રની ભાષામાં, અમે ‘જય-જય મહારાષ્ટ્ર માઝા’ કહીએ છીએ. આજે મહારાષ્ટ્રના લોકોએ અમને જે સમર્થન આપ્યું છે. જે અંગે વિનમ્રતા પૂર્વક આભાર માનીએ છીએ. આ છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિ છે… જેમ શિવાજીની ચતુરંગિણી સેના મનમાં ઉમંગ સાથે આગળ વધતી હતી. તે રીતે જે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં ભાજપ પણ આગળ વધી રહી છે.
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ 1,117 વોર્ડમાં આગળ
મહારાષ્ટ્રની તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનોના કુલ 2,869 વોર્ડમાંથી 2,132 વોર્ડના ટ્રેન્ડ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ભાજપ 1,117 વોર્ડમાં આગળ છે. શિવસેના (શિંદે જૂથ) 278 માં આગળ છે. ત્યારબાદ કોંગ્રેસ 192 માં, શિવસેના યુબીટી 135 માં, એનસીપી (અજિત પવાર) 121 માં, એઆઈએમઆઈએમ 75 માં, એનસીપી (સપા) 19 માં, બહુજન વિકાસ આઘાડી 14 માં, મનસે 10 માં અને અન્ય 171 માં આગળ છે.
આ પણ વાંચો…મુંબઈમાં ભાજપની ‘સિક્સર’, નિતેશ રાણેનો ઠાકરે બંધુઓ પર કટાક્ષ, હવે બંને ભાઈઓએ ઈસ્લામાબાદ જઈને…



