હમાસ અંગે વડા પ્રધાનને સલાહ આપવાની સજા: ભાજપના નેતાઓ શરદ પવાર પર તૂટી પડ્યા
"શરદ પવારે 1993ના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટો પછી આતંકવાદીઓ સંબંધે ખોટી માહિતી આપી હતી…", નારાયણ રાણેની આકરી ટીકા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ- NCP નેતા શરદ પવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પેલેસ્ટાઈનનો પક્ષ લેવાની સલાહ આપતાં જ બીજેપીના નેતાઓ તેમના પર તૂટી પડ્યા છે. આ બધામાં સૌથી આકરો હુમલો કરતાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન નારાયણ રાણેએ કહ્યું હતું કે 1993માં શહેરમાં શ્રેણીબદ્ધ બોમ્બધડાકા થયા ત્યારે શરદ પવારે જ આતંકવાદી હુમલા અંગે ખોટી માહિતી આપી હતી. શરદ પવારે અટલ બિહારી વાજપેયીની સાથે પંડિત નેહરુ અને ઈન્દિરા ગાંધીના ઉદાહરણ આપીને કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાયલનો પક્ષ લેવો ન જોઈએ. જે બાદ હવે ભાજપ દ્વારા તેમની સતત ટીકા થઈ રહી છે. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, ભાજપના નેતા વિનોદ તાવડે બાદ હવે કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેએ પણ આ મુદ્દે શરદ પવારની ટીકા કરી છે.
શું બોલ્યા નારાયણ રાણે?

ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને લઈને શરદ પવાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા દુર્ભાગ્યપૂર્ણ છે. આતંકવાદ કોઈ વ્યક્તિ કે દેશ વિરુદ્ધ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સંયુક્ત રાષ્ટ્રના મંચ પરથી આતંકવાદ માનવતા વિરુદ્ધ હોવાનું જણાવ્યું છે. આ નીતિ અનુસાર તેણે આતંકવાદ વિરોધી વલણ અપનાવ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્ટેન્ડ પેલેસ્ટાઈન વિરુદ્ધ નહીં પરંતુ આતંકવાદ વિરુદ્ધ છે. શું શરદ પવાર એમ કહેવા માગે છે કે આતંકવાદ વિરોધી વલણ લેવું ખોટું છે? નારાયણ રાણેએ ગુરુવારે ભર પત્રકાર પરિષદમાં આ સવાલ પૂછ્યો હતો.
શું શરદ પવાર કહેવા માગે છે કે પેલેસ્ટાઈન અને આતંકવાદી એક જ છે?

શરદ પવારે અત્યાર સુધી પોતાના રાજ્ય અને દેશમાં અનેક મંત્રી પદ સંભાળ્યા છે. મુખ્યત્વે તેઓ કેન્દ્રમાં સંરક્ષણ પ્રધાન પણ બન્યા હતા. તેઓ કેન્દ્રમાં કૃષિ પ્રધાન પદ પણ સંભાળી ચુક્યા છે. તેઓ મહારાષ્ટ્રમાં ચાર વખત મુખ્યપ્રધાન પદ સંભાળી ચૂક્યા છે. હું તેમને યાદ અપાવવા માંગુ છું કે, 12 માર્ચ 1993ના રોજ મુંબઈમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ થયા હતા. 257 લોકો માર્યા ગયા અને 1400 લોકો ઘાયલ થયા. તે સમયે શરદ પવાર રાજ્યના મુખ્યપ્રધાન હતા. શું તેઓએ મસ્જિદમાં 13માં બોમ્બ વિસ્ફોટની ખોટી માહિતી આપીને આતંકવાદીઓને બચાવવાનો કે ટેકો આપવાનો પ્રયાસ નથી કર્યો? તુષ્ટિકરણની નીતિને કારણે દેશે અનેક સંકટોનો સામનો કરવો પડ્યો છે. શરદ પવાર તુષ્ટિકરણ છોડીને પ્રથમ દેશની વિચારધારા અપનાવશે? આ મારો તેમને પ્રશ્ન છે.” એવો સવાલ નારાયણ રાણેએ કર્યો છે. શરદ પવારે શું કહ્યું? શરદ પવારે એનસીપીના એક કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું કે જ્યાં યુદ્ધ ચાલી રહ્યું છે તે જમીન પેલેસ્ટિનિયન લોકોની છે. અતિક્રમણ થયું અને ઈઝરાયેલ દેશનો ઉદય થયો. હું તેના ઊંડાણમાં જવા માંગતો નથી. પરંતુ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુથી લઈને વાજપેયી સુધી બધાએ પેલેસ્ટાઈનને મદદ કરવાનું સ્ટેન્ડ લીધું છે, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કમનસીબે ઈઝરાયેલનો પક્ષ લીધો છે. શરદ પવારે નિવેદન આપ્યું હતું કે તેમણે પેલેસ્ટાઈનની અવગણના કરી છે, જે જમીનના મૂળ માલિક છે. હવે આ જ મુદ્દે તેમની ટીકા હવે ભાજપે કરી છે.