ઊલટી ગંગાઃ ઉદ્ધવ ઠાકરે જૂથના પ્રવક્તાએ કર્યો મોટો દાવો, ભાજપના ઘણા નેતા ઠાકરે સાથે જવા માગે છે…

મુંબઈઃ મહારાષ્ટ્રમાં પાલિકાની ચૂંટણીને લઈ રાજકારણમાં ગરમાવો આવ્યો છે, ત્યારે હજુ પણ નાના-મોટા નેતાઓ પોતાની પાર્ટીને છોડીને અન્ય પાર્ટીમાં જવાની મોસમ ચાલુ છે. આજે ઉદ્ધવ ઠાકરે જૂથના પૂર્વ વિધાનસભ્ય સંજયબાબા ઘાટગે પાર્ટીને અલવિદા કરીને ભાજપમાં જોડાવવાની વાત છે, ત્યારે તેનાથી વિપરીત આજે પાર્ટીના પ્રવક્તાએ નવો દાવો કર્યો હતો. ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના (UBT)ના પ્રવક્તાએ એક ચોંકાવનારો દાવો કર્યો છે. યુબીટીના પ્રવક્તા આનંદ દુબેએ જણાવ્યું હતું કે ઘણા ભાજપના નેતાઓ ઉદ્ધવ ઠાકરે સાથે જોડાવવા માંગે છે.

મીડિયાના અહેવાલ મુજબ આનંદ દુબેને ભાજપના નેતા અને મંત્રી ચંદ્રકાંત પાટીલ દ્વારા કરવામાં આવેલા દાવાઓ પર સવાલ કરવામાં આવ્યો હતો. પાટીલે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેનો પક્ષ મહાયુતિમાં જોડાવા માંગે છે, પરંતુ અમે તેમને નહીં લઈએ.
દુબેએ કહ્યું હતું કે આ ‘મુંગેરીલાલ કે હસીન સપને’ જેવું છે. ચંદ્રકાંત પાટીલે વિચારવું જોઈએ કે મહાયુતિમાં કેટલો મતભેદ છે. અજિત પવાર બીજી દિશામાં ભાગી રહ્યા છે. એકનાથ શિંદે તેમની વિરુદ્ધ ફરિયાદ કરી રહ્યા છે.
દેવેન્દ્ર ફડણવીસે બંને પર લગામ લગાવી દીધી છે. સત્ય એ છે કે ભાજપના એક ડઝન નેતાઓ અસંતુષ્ટ છે તેઓ અમારા સંપર્કમાં છે. તેમને ગૂંગળામણ થઈ રહી છે. તેમની પાસે સત્તા છે, પણ તેમનું એકે કામ થતું નથી. તેઓ ઉદ્ધવ ઠાકરે સાથે જોડાવા માંગે છે, પરંતુ હમણાં અમે દરવાજા બંધ રાખ્યા છે. અમારા કાર્યકરો ઉત્સાહી છે, અમે તેમને પ્રાથમિકતા આપીશું. ખૂબ જ ટૂંક સમયમાં ભાજપમાં રાજકીય ભૂકંપ આવશે.
તમને જણાવી દઈએ કે 2019ની વિધાનસભા ચૂંટણીના પરિણામો પછી શિવસેના અને ભાજપ વચ્ચે મુખ્ય પ્રધાન પદને લઈને વિવાદ થયો હતો અને ગઠબંધન તૂટી ગયું હતું. ત્યારે શિવસેના ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં એક હતી. ભાજપ સાથેનું ગઠબંધન તોડ્યા બાદ ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસ અને એનસીપી સાથે ગઠબંધનમાં જોડાયા અને મુખ્ય પ્રધાન બન્યા. જોકે, બાદમાં એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેના તૂટી ગઈ અને ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય પ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું. ત્યારથી ઉદ્ધવ ઠાકરે અને ભાજપ વચ્ચે રાજકીય સંઘર્ષ ચાલુ છે.