અપક્ષો અને બળવાખોરો માટે ભાજપ મહાગઠબંધન દ્વારા મજબૂત ફિલ્ડીંગ, મનસે નેતા હાજર
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભાજપ મહાયુતિ રાજ્યમાં ચૂંટાઈ આવનારા બળવાખોર અને અપક્ષ ઉમેદવારો પર ચાંપતી નજર રાખી રહી છે. ભાજપે બળવાખોર અને અપક્ષ ચૂંટાયેલા વિધાનસભ્યોનો સંપર્ક કરવાની જવાબદારી રાજ્યના છ એવા નેતાઓને સોંપી છે જેઓ આવા કામ કરવામાં હોશિયાર હોવાનું માનવામાં આવે છે.
ભાજપના રવીન્દ્ર ચવ્હાણ, પ્રવીણ દરેકર, સંજય કુટે, મોહિત કંબોજ, નિતેશ રાણે અને નિરંજન દાવખરેને અપક્ષ અને બળવાખોરોની જવાબદારી સોંપવામાં આવી છે. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના સાગર બંગલો પર ભાજપના નેતાઓની મહત્વની બેઠક શુક્રવારે યોજાઈ હતી. દેવેન્દ્ર ફડણવીસે અગ્રણી નેતાઓ પાસેથી રાજ્યની ચૂંટણીની સ્થિતિ અને કોણ કોણ જીતી શકે છે તેની માહિતી મેળવી હતી. બેઠકમાં ચંદ્રશેખર બાવનકુળે, પ્રસાદ લાડ, પ્રવીણ દરેકર, રાવસાહેબ દાનવે, ગિરીશ મહાજન અને ચિત્રા વાઘ હાજર હતા. દરેક નેતાને આગામી દિવસોમાં રાજ્યમાં સત્તા સ્થાપન કરવાની દૃષ્ટિએ મહત્વની જવાબદારી સોંપવામાં આવે છે.
આ પણ વાંચો : ફેક્ટ ચેકઃ શું 1992ના મુંબઈ રમખાણો પર ઉદ્ધવ ઠાકરેએ માફી માગી?
મંગલપ્રભાત લોઢા, ભૂપેન્દ્ર યાદવ અને પરાગ શાહ ઉપરાંત કાલિદાસ કોલંબકર, જયકુમાર ગોરે, મિહિર કોટેચાને પણ આ બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા. શનિવારે મતગણતરી બાદ મુખ્ય પ્રધાનપદનો દાવો કરવા ભાજપના તમામ આગેવાનો, હોદ્દેદારો અને ઉમેદવારો સાગર બંગલો ખાતે વ્યૂહ રચના ઘડી કાઢવા માટેની બેઠકમાં હાજર રહ્યા હતા. રસપ્રદ વાત એ છે કે મનસેના બાળા નંદગાંવકર પણ સાગર બંગલામાં જોવા મળ્યા હતા.
એક્ઝિટ પોલ દર્શાવે છે કે મહાયુતિની સરકાર આવશે, પરંતુ જો કેટલીક બેઠકો ઘટે તો એવી સ્થિતિ માટે એડજસ્ટમેન્ટ પહેલેથી જ ચાલી રહ્યું છે.
બીજી તરફ મહાવિકાસ આઘાડીએ પણ બેઠકો યોજવાનું શરૂ કરી દીધું છે. હવે થોડા કલાકોમાં પરિણામ જાહેર થશે. તેથી સત્તા કોના હાથમાં જાય છે તેના પર સમગ્ર દેશનું ધ્યાન છે.
શનિવારે સવારે આઠ વાગ્યાથી મતગણતરી શરૂ થશે. મતદાન મથક પર મોટો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બપોરે 2 વાગ્યા સુધીમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે. મતગણતરી કેન્દ્ર પર સીસીટીવીની પણ નજર રહેશે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વહીવટીતંત્ર સજ્જ છે.