આમચી મુંબઈમહારાષ્ટ્ર

લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં કંગાળ દેખાવનું ભાજપે આ કારણ જણાવ્યું…

મુંબઈઃ ભાજપના મહારાષ્ટ્ર એકમ દ્વારા શુક્રવારે એક અગત્યની બેઠક યોજવામાં આવી હતી જે મધરાત સુધી ચાલી હતી. લોકસભાની ચૂંટણીમાં મહાયુતિના કંગાળ દેખાવ બાદ કેન્દ્રીય નેતૃત્વ દ્વારા કાન આમળવામાં આવ્યા બાદ મહારાષ્ટ્ર કોર કમિટીની આ બેઠક યોજવામાં આવી હોવાનું કહેવાય છે. લોકસભાની ચૂંટણી બાદ મહારાષ્ટ્ર ભાજપ કોર કમિટીની આ પહેલી જ બેઠક હતી. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ ફડણવીસના નિવાસસ્થાને આઠ વાગ્યે યોજવામાં આવેલી આ બેઠક મોડી રાત્રે એક વાગ્યા સુધી ચાલી હતી.

આ બેઠકમાં થયેલી ચર્ચા વિશે જણાવતા મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીના જે પરિણામ આવ્યા તેનું વિશ્લેષણ આ બેઠકમાં કરવામાં આવ્યું હતું. મહાવિકાસ આઘાડી અને ખાસ કરીને શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસના નેતાઓએ કરેલા ખોટા પ્રચારના કારણે તેમને મત મળ્યા હતા. ભાજપ બંધારણ બદલાવી નાંખશે, તેવો ખોટો પ્રચાર કરવામાં આવ્યો. આદિવાસી સમાજને તેમના હક્ક છીનવી લેવામાં આવશે તેવું મગજમાં ભરાવવામાં આવ્યું. મહિલાઓને કહેવામાં આવ્યું કે તેમને મહાવિકાસ આઘાડીના વિજય બાદ સાડા આઠ હજાર રૂપિયા આપવામાં આવશે. આ પ્રકારનો દુષ્પ્રચાર કરવામાં આવતા ભાજપને ફટકો પડ્યો, એમ બાવનકુળેએ જણાવ્યું હતું.

આ પણ વાંચો…
Maharashtra વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપે શરુ કરી કવાયત, સાંજે Devendra Fadnavisના નિવાસે કોર કમિટીની બેઠક

આ ઉપરાંત બેઠકમાં લોકસભાની ચૂંટણીમાં થયેલી ભૂલોનું પુનરાવર્તન ન થાય તેમ જ કેન્દ્ર અને રાજ્ય સરકારના સમન્વયથી જનતાની સમસ્યાઓ દૂર કરવા અંગે ચર્ચા કરવામાં આવી હોવાનું બાવનકુળેએ જણાવ્યું હતું. આ સિવાય આગામી વિધાનપરિષદની ચૂંટણીમાં 11 બેઠકો માટે કોણ ઉમેદવાર હશે તે વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી.

બાવનકુળેએ વધુમાં જણાવ્યું હતું કે મહાવિકાસ આઘાડીએ દુષ્પ્રચાર કર્યો, પરંતુ હવે લોકોને સત્યનું ભાન થયું છે. કેન્દ્ર અને રાજ્યમાં એક જ વિચારધારાની સરકાર હશે તો જનતાને ફાયદો થાય છે. જો રાજ્યમાં મહાવિકાસ આઘાડીની સરકાર આવશે તો વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રની યોજનાઓ પર રોક લગાવી દેવામાં આવશે. જો આમ થાય તો જનતાને નુકસાન થશે. આ બેઠકમાં વિધાનસભાની ચૂંટણી અંગે પણ વાતચીત થઇ હોવાનું બાવનકુળએ જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button