Supriya sule VS chitra wagh: ગૃહ પ્રધાનના રાજીનામાની માંગણી મુદ્દે સુપ્રિયા સુળે અને ચિત્રા વાઘ આમને-સામને: આક્ષેપોનું રાજકારણ ગરમાયું
મુંબઇ: રાજકારણની વાત આવે અને એમા પણ જો મહારાષ્ટ્રના રાજકારણની વાત કરીએ તો અહીં સામાન્ય જનતાએ અનેક રાજકીય ભૂકંપ જોયા છે. મહારાષ્ટ્રનું રાજકારણ હવે ફિલ્ડ છોડીને સોશિયલ મીડિયા વોર પર સિમિત થઇ ગયું છે. લોકો સુધી પોતાની સરકારે કરેલા સારા કામો પહોંચાડવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ શરુ થયો હતો. જો કે હવે સોશિયલ મીડિયા તો રાજકારણીઓ માટે એક વોર ફિલ્ડ બની ગયું છે. ત્યારે હવે મહારાષ્ટ્રના ગૃહ પ્રાધાનના રાજીનામાની માંગણીના સુપ્રિયા સુળેના નિવેદન બાદ ભાજપના મહિલા પ્રદેશ અધ્યક્ષા ચિત્રા વાઘે સુપ્રિયા સુળે પર જોરદાર ટીકા કરી છે.
ભાજપના મહિલા મોર્ચા અધ્યક્ષા ચિત્રા વાઘે ફરી એકવાર રાષ્ટ્રવાદી કોંગ્રેસના સાંસદ સુપ્રિયા સુળે પર જોરદાર ટીકા કરી છે. તેમણે એક્સ (પહેલાનું ટ્વીટર) પર એક પોસ્ટ કરી છે જેમાં કહ્યું છે કે, રાજ્યના મોટા બેન… સુપ્રિયા બહેનને 100 કરોડ રુપિયા વસુલ કરી આપે એવા ગૃહ પ્રધાન ગમતાં હશે તો તેમાં મહારાષ્ટ્ર પણ શું કરશે? ગુનેગારોની લગામ ખેંચનારા ગૃહ પ્રધાન તો તમને નહીં જ ગમે ને? મહિલાઓના ગાયબ થવાના કિસ્સામાં આખા દેશ અને મહાવિકાસ આઘાડીના સમયની પરિસ્થિતી સભાગૃહમાં કહેવાથી પણ તમારું સમાધાન નહીં થાય ને…
સસૂન કેસમાં 9 પોલીસ સસ્પેન્ડ થયા છે, પણ એ પણ તમને ગમ્યું નહીં હોય …. હેરંબ કુલકર્ણી હુમલાના આરોપીઓને જેલભેગા કર્યા એ પણ તમને ગમ્યું નહીં હોય ને… કારણ કે તમને માત્ર 100 કરોડમાં રસ છે.
આરોપીને લોનાવલામાં સરકારી ઠાઠમાઠમાં ભાગી જવા માટે મદદ કરનારા ગૃહ પ્રધાન જોઇએ છે કે ઉદ્યોગપતિના ઘર સામે બોમ્બ મૂકવામાં મદદ કરનારા પોલીસને સેવામાં રાખનાર ગૃહ પ્રધાન જોઇએ છે. તમારી ચોઇસ અલગ છે, એમાં મહારાષ્ટ્ર પણ શું કરે મહારાષ્ટ્રના મોટાબેન?
ચિત્રા વાઘની આ પોસ્ટ સુપ્રિયા સુળે દ્વારા અગાઉ કરવામાં આવેલ નિવેદનનો જવાબ છે. સુપ્રિયા સુળેએ કહ્યું હતું કે, અજિત દાદા રાજ્યના મુખ્ય પ્રધાન બનશે તો એની મને ખૂબ ખૂશી થશે. એમને પહેલો હાર હું પહેરાવીશ. ત્યારે દેવેન્દ્ર ફડણવીસે મને આ તક આપવી એમ સુપ્રિયા સુળેએ કહ્યું હતું. એટલું જ નહીં પણ અજિત પવારે રાજ્યની સુરક્ષા માટે દેવેન્દ્ર ફડણવીસને રાજ્યનું ગૃહ પ્રધાન પદ ન આપવું જોઇએ એમ પણ કહ્યું હતું જેના જવાબમાં ચિત્રા વાઘે સોશિયલ મીડિયાના માધ્યમછી જવાબ આપ્યો છે.