ભાજપ ઉમેદવાર પરાગ શાહનો થયો અકસ્માત, ડોક્ટરે ઘરે જ રહેવાની સલાહ આપી
મુંબઇઃ ઘાટકોપરમાં ભારતીય જનતા પાર્ટી અને મહાયુતિ માટે ખરાબ સમાચાર આવ્યા છે. ચૂંટણીમાં રાજ્યના સૌથી અમીર ઉમેદવાર ભાજપના નેતા પરાગ શાહનો અકસ્માત થયો છે. મંગળવારે જ્યારે પરાગ શાહ ચૂંટણી પ્રચાર માટે ઘરેથી નીકળવાના હતા ત્યારે અચાનક તેમણે સંતુલન ગુમાવ્યું અને પડી ગયા હતા. તેમને તાત્કાલિક હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ડૉક્ટરી તપાસમાં જાણવા મળ્યું હતું કે તેમના ડાબા પગનું લિગામેન્ટ સંપૂર્ણપણે તૂટી ગયું છે. તબીબોએ પરાગ શાહને ઘરે રહીને આરામ કરવાની સલાહ આપી છે. તબીબોએ તેમને ઓપરેશનની પણ સલાહ આપી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પરાગ શાહે એક મહિના બાદ ઓપરેશન કરાવવાનો નિર્ણય કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ વ્હીલચેર કે કારમાં બેસીને કાર્યકરો સાથે પ્રચાર કરશે. હાલમાં તેઓ પોતાની ઓફિસમાં બેસીને પ્રચારનું આયોજન કરી રહ્યા છે.
ઘાટકોપર પૂર્વ મતવિસ્તાર ગુજરાતી પ્રભુત્વ ધરાવતા વિસ્તાર તરીકે ઓળખાય છે. આ મતવિસ્તારમાં પરાગ શાહનું પલડું ભારે માનવામાં આવે છે. જૈન, ગુજરાતી અને મારવાડી સમુદાયો ભાજપની પરંપરાગત વોટ બેંક ગણાય છે, તેથી પરાગ શાહ માટે અહીંથી જીતવામાં ખાસ મુશ્કેલી નથી. અહીં તેમની સામે શરદ પવાર જૂથની રાખી જાધવ અને MNSના સંદીપ કુલથે ઉમેદવારી કરી રહ્યા છે.
Also Read – Election: મુંબઈ, થાણે, કોંકણ, વિદર્ભ, પશ્ચિમ-ઉત્તર મહારાષ્ટ્ર અને મરાઠવાડમાં કોનો દબદબો?
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પરાગ શાહ સૌથી અમીર ઉમેદવાર છે. તેઓ ઘાટકોપર પૂર્વ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. પરાગ શાહના ચૂંટણી એફિડેવિટ મુજબ તેમની સંપત્તિ 3383.06 કરોડ રૂપિયા છે. પરાગ શાહે પોતાના ચૂંટણી એફિડેવિટમાં આપેલી માહિતી મુજબ તેમની પાસે 1 કરોડ 81 લાખ રૂપિયા રોકડા છે. તેમની પત્ની પાસે 1.30 કરોડની રોકડ રકમ છે. પરાગ શાહે 77 લાખ 83 હજાર 981 રૂપિયાનું રોકાણ કર્યું છે અને તેની પત્નીના નામે રૂપિયા 8.65 કરોડથી વધુનું રોકાણ છે.