આમચી મુંબઈ

શરદ પવારની પીચ ઉપર ભાજપની બેટિંગ બારામતીમાં એક જ મંચ ઉપર પવાર, શિંદે, ફડણવીસ અને અજિત પવાર

મુંબઈ: મહારાષ્ટ્રમાં સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંનેના સાથી પક્ષો લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં લાગી પડ્યા છે. એવામાં શરદ પવાર જેવા રાષ્ટ્રીય સ્તરના કદાવર નેતાના ગઢ મનાતા બારામતીમાં સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા નમો રોજગાર મેળાવો યોજવામાં આવ્યો હતો.

‘નમો રોજગાર મેળાવા ૨૦૨૪’માં એક જ મંચ ઉપર સત્તાધારી પક્ષના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની સાથે શરદ પવાર પણ હાજર રહ્યા હતા.

ખાસ કરીને આ કાર્યક્રમની ચર્ચા એટલા માટે થઇ રહી છે કે શરદ પવાર જૂથથી છૂટા પડીને એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ)નું ચિહ્ન અને નામ મેળવનારા અજિત પવાર તેમ જ શરદ પવાર એક જ મંચ ઉપર હતા. એ સિવાય પવારનો ગઢ મનાતા બારામતીના સાંસદ સુપ્રિયા સુળે, જે શરદ પવારના પુત્રી છે તે પણ પોતાના ભાવિ હરીફ તેમ જ અજિત પવારના પત્ની સુનેત્રા પવારની સાથે એક સ્ટેજ ઉપર હાજર હતા. ચૂંટણી પહેલા જ વિપક્ષ અને સત્તાધારી પક્ષના આ મેળાવડાની ખૂબ જ ચર્ચા રાજકીય વર્તુળમાં ચાલી હતી.

શરદ પવારનું આમંત્રણ ન સ્વીકાર્યું શિંદેએ
શરદ પવાર નમો રોજગાર મેળાવામાં હાજર તો રહ્યા પણ શરૂઆતમાં તેમને આ કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવ્યું નહોતું. જોકે, પછી પવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસને પોતાના નિવાસસ્થાને રાત્રીભોજન માટે આમંત્રણ આપ્યું હતું. પરંતુ આ આમંત્રણ શિંદે દ્વારા સ્વીકારવામાં આવ્યું નહોતું. સમયની અછતનું કારણ આપી શિંદેએ આ આમંત્રણ અસ્વીકાર કર્યું હતું. શિંદેએ કહ્યું હતું કે શનિવારે અમારો કાર્યક્રમ ખૂબ જ વ્યસ્ત છે અને અમારે ત્યાંથી અમદાવાદ જવાનું છે. મેં પવારને કહ્યું કે બીજી વખત અમે જ્યારે બારામતી જઇશું ત્યારે અમે તેમના ઘરે આવીશું. ભાજપે પણ વિપક્ષે કરેલી કાગારોળ બાદ પવારને કાર્યક્રમમાં આમંત્રણ આપ્યું હતું.

સુપ્રિયા સુળેના હરીફ સુનેત્રા પવાર પણ કાર્યક્રમમાં હાજર

રોજગાર મેળાવા દરમિયાન બારામતીના સાંસદ સુપ્રિયા સુળે તેમ જ અજિત પવારના પત્ની સુપ્રિયા પવાર પણ એક જ સ્ટેજ ઉપર હાજર હતા. બારામતી બેઠક ઉપરથી આગામી લોકસભા ચૂંટણીમાં સુપ્રિયા પવારને ઉમેદવાર તરીકે ઊભા રાખવામાં આવે એવી શક્યતા છે. એટલે કે બંને હરફિ તેમ જ નણંદ-ભાભી એક જ સ્ટેજ ઉપર હાજર રહ્યા હતા અને આ વાતની ખૂબ ચર્ચા થઇ હતી.

અજિત પવારને તો ગૃહ ખાતું નહીં જ આપું: ફડણવીસ
રોજગાર મેળાવા ખાતે ફડણવીસે અજિત પવાર વિશે કરેલા નિવેદનની ખાસ્સી ચર્ચા થઇ રહી છે. અજિત પવારને ગૃહ ખાતું ન આપવા બાબતે મશ્કરી કરતા ફડણવીસે
જણાવ્યું હતું કે બારામતી ખાતે એસટી બસ સ્ટેન્ડ, નવું પોલીસ સ્ટેશન, પોલીસ ઉપમુખ્યાલય, પોલીસ સોસાયટી સરકારી બાંધકામ હોય એવું લાગતું જ નથી. પોલીસ ઉપમુખ્યાલય તો એક કોર્પોરેટ ઓફિસ જેવું બનાવ્યું છે. બસ સ્ટેન્ડ એરપોર્ટ જેવું તૈયાર થયું છે, એમ કહી ફડણવીસે અજિત પવારની પ્રશંસા કરી હતી. જોકે, તેમણે વધુમાં જણાવ્યું હતું કે હવે પોલીસ અધિકારીઓ તેમને બારામતીમાં પોસ્ટિંગ અપાય એ માટે મારી પાછળ લાગશે. હું અજિત પવારને વિનંતી કરું છું કે પોલીસોના ઘર બાંધવા માટે હું અજિત પવારને જ પ્રોજેક્ટ મેનેજમેન્ટ ક્ધસલ્ટન્ટ બનાવી નાંખું છું. એટલે રાજ્યની બધી જ ઇમારતો આ જ રીતે બને. પછી તેઓ મારી પાસેથી ગૃહ ખાતું માંગી શકે છે, પણ હું આ ખાતું તેમને નહીં આપું. એ હું મારી પાસે જ રાખીશ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ