ભાજપ કોંગ્રેસના ભૂતપૂર્વ નેતાઓને સામેલ કરીને મહાયુતિના સાથી પક્ષોને ઘેરવાનો પ્રયાસ કરે છે: સપકાળ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ હર્ષવર્ધન સપકાળે એવો આરોપ લગાવ્યો છે કે ભાજપ રાજ્યની ચૂંટણીમાં શિવસેના અને એનસીપીના વિધાનસભ્યો જીત્યા હોય તેવા મતવિસ્તારોના ભૂતપૂર્વ કોંગ્રેસી નેતાઓને પોતાની પાર્ટીમાં સમાવિષ્ટ કરીને મહાયુતિના સાથી પક્ષોને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે.
હર્ષવર્ધન સપકાળે કહ્યું હતું કે, તાજેતરના મહિનાઓમાં પક્ષ બદલનારા સૌથી જૂના પક્ષના નેતાઓએ ડર અને લોભથી આવું કામ કર્યું છે, પરંતુ કોંગ્રેસ સ્પષ્ટતા અને આક્રમકતા સાથે તેની વિચારધારાને સુરક્ષિત રાખવા માટે કટિબદ્ધ છે.
2024ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને હાર મળી ત્યારથી મહારાષ્ટ્ર કોંગ્રેસ શ્રેણીબદ્ધ પક્ષપલટોનો સામનો કરી રહી છે, જેમાં તેને ફક્ત 16 બેઠકો જ મળી હતી.
આપણ વાંચો: રાહુલ ગાંધીના દાવા પર ફડણવીસના પ્રતિકારને સપકાળે ‘ધ્યાન વિચલિત કરવાના ધમપછાડા’ ગણાવ્યા
‘રાજીનામું આપનારા કોંગ્રેસના ભૂતપૂર્વ વિધાનસભ્યો ઘણા વર્ષોથી વિધાનસભ્ય તરીકે સેવા આપી રહ્યા હતા અને હવે તેઓ રાહ જોવા તૈયાર નથી. આ મતવિસ્તારોમાં પાર્ટીનું પુનર્ગઠન કરવા માટે અમારી પાસે ઘણો સમય છે,’ એમ તેમણે કહ્યું હતું.
બુલઢાણાના વિધાનસભ્યે એવો દાવો કર્યો હતો કે પક્ષપલટો કરનારા નેતાઓ સત્તાના ભૂખ્યા હતા અને કોંગ્રેસે તેમના માટે પોતાના દરવાજા કાયમ માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે.
તેમણે એવો આરોપ લગાવ્યો કે ભાજપ તેના સાથી પક્ષો શિવસેના અને એનસીપીના વિજયી મતવિસ્તારોમાં રહેલા કોંગ્રેસના નેતાઓને પોતાની પાર્ટીમાં સામેલ કરીને તેમને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે જેથી આગામી સમયમાં તેઓ આ મતદારસંઘો પોતાના કબજામાં લઈ શકે.
આપણ વાંચો: મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખપદનો કાર્યભાર સંભાળતા સપકાળેએ કરી મોટી વાત…
સપકાળે ધ્યાન દોર્યું હતું કે તાજેતરમાં કોંગ્રેસ છોડી દેનારા નેતાઓમાં કુણાલ પાટીલ ધુળે ગ્રામીણમાં ભાજપના ઉમેદવાર સામે હારી ગયા હતા, જ્યારે એનસીપીના ઉમેદવારોએ પરભણી જિલ્લાના પાથરી મતવિસ્તારમાં સુરેશ વરપુડકર અને ખડકવાસલામાં સંજય જગતાપને હરાવ્યા હતા અને કૈલાસ ગોરંટ્યાલ જાલનામાં શિવસેના સામે હારી ગયા હતા.
તેમણે કહ્યું કે ભાજપમાં જોડાયેલા ભોરના ભૂતપૂર્વ વિધાનસભ્ય સંગ્રામ થોપટે પણ એનસીપીના ઉમેદવાર સામે હારી ગયા.
‘એવું લાગે છે કે ભાજપ (શાસક) ગઠબંધનમાં રમત રમી રહી છે. તેઓ તૈયાર નેતાઓને લઈ રહ્યા છે,’ એમ સપકલે કહ્યું હતું.
કોંગ્રેસ છોડનારા ભૂતપૂર્વ વિધાનસભ્યોએ આ નિર્ણયને વ્યક્તિગત કારણોસર જવાબદાર ગણાવ્યો, એમ તેમણે ધ્યાન દોર્યું.
‘તે આશ્ર્ચર્યજનક નહોતું, કારણ કે તેઓ પહેલાથી જ સંભવિત પક્ષપલટોની અમારી યાદીમાં હતા.
આપણ વાંચો: સરકાર ‘બેશરમ અને લાચાર’, રમી રમનારા પ્રધાનને રમતગમત ખાતું આપ્યું: સપકાળ
આ પક્ષપલટો સંગઠનને મજબૂત બનાવવા અને મહત્વપૂર્ણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે તેને તૈયાર કરવાના અમારા ઉદ્દેશને અસર કરી નથી,’ એમ સપકાળે કહ્યું હતું. તેમણે એવો સવાલ કર્યો હતો કે એક કરોડ કાર્યકરો સાથેની સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો કરતી ભાજપને અન્ય પક્ષોના નેતાઓને શા માટે સામેલ કરવાની જરૂર પડી?
‘ભાજપ તેના નેતાઓને સશક્ત કેમ નથી બનાવી શકતી? આનો અર્થ એ છે કે તે એક નબળી પાર્ટી છે અને અન્ય રાજકીય પક્ષોને ખતમ કરીને વિકાસ કરવા માગે છે. ‘કોંગ્રેસ-મુક્ત ભારત’ હાસલ કરવાને બદલે, ભાજપે પોતાને ‘કોંગ્રેસ-યુક્ત’ પક્ષમાં રૂપાંતરિત કરી દીધું છે,’ એવો કટાક્ષ તેમણે કર્યો હતો.
સપકાળે મહારાષ્ટ્ર કોંગ્રેસની તાજેતરમાં જાહેર કરાયેલ 387 સભ્યોની જમ્બો સમિતિને યોગ્ય ઠેરવી. ‘અમારી પાસે વધુ કાર્યકરો છે, તેથી કદ મોટું હોવું જોઈએ. ઓછામાં ઓછા 33 ટકા જૂના ચહેરાઓ છે, 66 ટકા નવા છે અને સરેરાશ ઉંમર 51 વર્ષ છે,’ એમ તેમણે કહ્યું હતું.
તેમણે કહ્યું કે, સમિતિમાં સામાજિક સંતુલન સાધ્ય કરવામાં આવ્યું છે, 33 ટકા સભ્યો મહિલા છે, 40 ટકા અન્ય પછાત વર્ગો છે, 19 ટકા અનુસૂચિત વર્ગ/અનુસૂચિત જનજાતિ અને લઘુમતી સમુદાયના છે.
કોંગ્રેસ ટૂંક સમયમાં ગ્રામ્ય સ્તરે પાર્ટીને મજબૂત બનાવવા અને મંડળો, ક્ષેત્રો અને ગ્રામ સમિતિઓની સ્થાપના કરીને તેના કાર્યક્રમોનો અમલ કરવા માટે એક માળખું બનાવશે, એમ તેમણે જણાવ્યું હતું.
અમે ચૂંટણી, તાલીમ અને આઉટરીચ વિભાગો સ્થાપવાની પ્રક્રિયામાં પણ છીએ, એમ તેમણે ઉમેર્યું હતું કે કોંગ્રેસના ફ્રન્ટલ સંગઠનોને પણ મજબૂત બનાવવાની જરૂર છે.