મુંંબઈના ત્રણ ગુજરાતી વિધાનસભ્યએ રંગ રાખ્યો

વિધાનસભા વિસ્તારમાં પાલિકાનું ૧૦૦ ટકા રિઝલ્ટ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે મોટી જીત મેળવી છે અને તેમની આ ભવ્ય જીતમાં મુંબઈના ગુજરાતીઓનો પણ મોટો ફાળો માનવામાં આવે છે. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ આપવામાં ભાજપે ભલે ગુજરાતીઓને અન્યાય કર્યો હોય પણ ગુજરાતીઓ પૂરી ઈમાનદારીથી ભાજપના ઉમેદવારની પડખે રહ્યા છે. ગુજરાતી સમાજના મતની સાથે જ મુંબઈના ત્રણ ગુજરાતી વિધાનસભ્યની મહેનત પણ ભાજપની જીતમાં મહત્ત્વની ગણાય છે. ત્રણેય વિધાનસભ્યના મતવિસ્તારમાં આવેલી પાલિકાની તમામ સીટનું ૧૦૦ ટકા રિઝલ્ટ આવ્યું છે.
કાંદિવલી-ચારકોપના વિધાનસભ્ય યોગેશ સાગર, મુલુંડના વિધાનસભ્ય મિહિર કોટેચા અને ઘાટકોપરના વિધાનસભ્ય પરાગ શાહની વિધાનસભાની બેઠકમાં આવતી તમામ પાલિકાની બેઠકોમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે. પાલિકાની ચૂંટણીમાં ત્રણેય વિધાનસભ્યોની મહેનતને કારણે આ વિસ્તારનું રિઝલ્ટ ૧૦૦ ટકા આવ્યું છે.
વિધાનસભ્યોએ ગ્રાઉન્ડ લેવલ પર તમામ કાર્યકર્તાઓની સાથે કરેલી મહેનતની સાથે મતદારો સાથે જાળવી રાખેલ સંપર્ક અને તેમણે કરેલા વિકાસનાં કામોને કારણે મતદારોેએ પણ તેમના વિધાનસભ્ય પર ભરોસો રાખીને ઉમેદવારનેે બહુમતીએ જીતાડયા છે.
જોકે આ ચૂંટણીમાં સૌથી મહત્ત્વ એ વાતનું છે કે આ તમામે તમામ બેઠકો પરથી ત્રણેય વિધાનસભ્યની ૧૭ નગરસેવકોની બેઠકો ગુજરાતી વિસ્તારમાં હોવા છતાં નોન-ગુજરાતી ઉમેદવાર એમને માથે મારવામાં આવ્યા હતા. તેથી ગુજરાતીઓમાં નારાજગીનું મોજું ફરી વળ્યું હતું, પરંતુ આ ત્રણેય વિધાનસભ્યો ગુજરાતીઓના મત ભાજપ તરફ વાળવામાં અને ગુજરાતીઓના રિસામણાં-મનાવણાં કરવામાં સફળ રહ્યા હતા.
કાંદિવલી-ચારકોપના વિધાનસભ્ય યોગેશ સાગરની વિધાનસભાની બેઠક પર વોર્ડ નંબર ૧૯, ૨૦, ૨૧, ૨૨, ૩૦ અને ૩૧ આ છ પાલિકાની બેઠકો આવે છે અને તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારોએ બહુમતીએ જીતી ગયા છે. ઘાટકોપર (પૂર્વ)ના વિધાનસભ્ય પરાગ શાહના વિસ્તારમાં પાલિકાની પાંચ બેઠકમાંથી ત્રણ ભાજપ (૧૩૦,૧૩૧,૧૩૨ )અને બે શિંદે (૧૨૫, ૧૩૩)શિવસેના (શિંદે)ને ફાળે ગઈ છે. આ તમામ બેઠકો પર મહાયુતિના ઉમેદવારનો વિજય થયો છે. શિંદેના ઉમેદવાર હોવા છતાં વિધાનસભ્યએ તેમની જીત માટે પણ કમર કસી હતી. એ પ્રમાણે જ મુલુંડમાં વિધાનસભ્ય મિહિર કોટેચાની વિધાનસભા બેઠકમાં ૧૦૩, ૧૦૪, ૧૦૫, ૧૦૬, ૧૦૭ અને ૧૦૮ બેઠકો ભાજપ જીતી ગયું છે.
ત્રણેય વિધાનસભ્યએ ૧૦૦ ટકાના રેકોર્ડ સાથે પોતાના વિધાનસભા વિસ્તારમાં કામ કર્યું છે. ગુજરાતીઓની બહોળી વસતી ધરાવતા આ મતવિસ્તારના ભાજપે ગુજરાતી સમાજને પ્રતિનિધિત્વ નહીં આપતા બિનગુજરાતીઓને ઉમેદવારી આપી છતાં તેમને ખોબલેને ખોબલે મત મળ્યા છે. પક્ષના મોવડીઓએ વિધાનસભ્યોના ખભા પર નાખેલી જવાબદારી તેમણે સંપૂર્ણ નિષ્ઠા સાથે પાર પાડી છે.
મુંબઈના અન્ય વિસ્તારોમાં ભાજપના ટોચના નેતાઓએ સભાઓ ગજવી હતી. ચૂંટણી પ્રચાર કર્યો હતો, છતાં ભાજપના ઉમેદવારો ત્યાં હારી ગયા છે. તેની સામે ત્રણેય ગુજરાતી વિધાનસભ્યોએ તેમના જોર પર તેમના મતદાર વિસ્તારમાં તેમના ઉમેદવાર જીતાડ્યાં છે. વિધાનસભ્યોના ટ્રેક રેકોર્ડને જોતા હવે ગુજરાતીઓને ન્યાય મળે તેની જવાબદારી ભાજપના ટોપના લીડરોની છે. ભાજપના વિજયમાં ગુજરાતી મતદારોનો મોટો ફાળો છે ત્યારે મુંબઈમાં ગુજરાતીઓને પ્રતિનિધિત્વ મળે અને ગુજરાતી નેતા આગળ આવે એ જવાબદારી ભાજપના નેતાઓ લેવાની છે.



