બિશ્નોઈ ગેંગ મુંબઈમાં વર્ચસ્વ જમાવવા પ્રયત્નો કરી રહી છે! સલમાન ખાન પર ફાયરીંગ કેસમાં ખુલાસો
મુંબઈ પોલીસના જણાવ્યા મુજબ કે જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નાના ભાઈ અનમોલ બિશ્નોઈએ શૂટર્સને સુચના આપી હતી કે, સલમાનને ડરાવવા માટે તેના ઘરની બહાર હવામાં ગોળીબાર કરવામાં આવે. પોલીસના જણાવ્યા મુજબ, આ ઘટના મુંબઈમાં બિશ્નોઈ ગેંગનું વર્ચસ્વ સ્થાપિત કરવાની વ્યાપક યોજનાનો એક ભાગ હતી.
મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (MCOCA) ની સ્પેશીયલ કોર્ટમાં રજૂ કરવામાં આવેલી ચાર્જશીટમાં અનમોલ બિશ્નોઈ અને શૂટર વિક્કીકુમાર ગુપ્તા વચ્ચેની વાતચીતના ટ્રાન્સક્રિપ્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. અનમોલે કથિત રીતે વિક્કીને એવી રીતે ગોળી મારવાનું કહ્યું કે જે સલમાન ડરી જાય, આ ઉપરાંત ‘કોઈનો ડર નથી’ એવું બતવવા સીસીટીવી કેમેરા સામે સિગરેટ પીવા સુચના આપી હતી.
ચાર્જશીટ મુજબ, એક વાતચીતમાં અનમોલ બિશ્નોઈએ વિક્કીકુમાર ગુપ્તાને શૂટિંગ એવી રીતે હાથ ધરવા માટે સૂચના આપી હતી કે જેથી ‘ભાઈ’ (સલમાન ખાન)ને ડર લાગે, ભલે ઘટનાને અંજામ આપવા એક મિનિટથી વધુ સમય લાગે.
અનમોલ બિશ્નોઈએ શૂટર્સને જણાવ્યું હતું કે, “તમે આ કામ કરીને ઈતિહાસ રચશો અને તમામ અખબારો અને અન્ય મીડિયામાં તમારું નામ હશે.”
શું હતી ઘટના?
ગત 14 એપ્રિલના રોજ, વિક્કી ગુપ્તા અને સાગર પાલે, બાંદ્રામાં આવેલા ગેલેક્સી એપાર્ટમેન્ટ્સમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીઓ ચલાવી હતી. આ કેસમાં ધરપકડ કરાયેલા શખ્સોમાં વિક્કી ગુપ્તા, સાગર પાલ, સોનુકુમાર બિશ્નોઈ, મોહમ્મદ રફીક ચૌધરી, હરપાલ સિંહ અને અનુજકુમાર થાપનનો સમાવેશ થાય છે. અનુજકુમાર થાપને પોલીસ કસ્ટડીમાં આત્મહત્યા કરી લીધી હતી. બાકીના પાંચ હાલ જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ છે.
ફાયરિંગની જવાબદારી સ્વીકારનાર અનમોલ બિશ્નોઈ કેનેડામાં છે. જોકે, જ્યારે તેણે ફેસબુક પોસ્ટ દ્વારા જવાબદારીનો દાવો કર્યો હતો ત્યારે IP એડ્રેસ પોર્ટુગલથી ટ્રેસ થયું હતું. મુંબઈ પોલીસે તેના માટે લુક આઉટ સર્ક્યુલર (LOC) બહાર પડ્યું છે.