હરણના માંસ અંગેના આરોપો એટલા માટે લગાવવામાં આવ્યા કે બિશ્નોઈ ગેંગ મને નિશાન બનાવે: ભાજપના વિધાનસભ્ય…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભાજપના વિધાનસભ્ય સુરેશ ધસે એવો દાવો કર્યો હતો કે તેમના પર હરણનું માંસ ખાવાના પાયાવિહોણા આરોપો એટલા માટે લગાવવામાં આવી રહ્યા હતા જેથી ‘બિશ્નોઈ ગેંગ’ તેમને મારી નાખે. ગયા મહિને હત્યાના પ્રયાસના કેસમાં ધરપકડ કરાયેલા સતીશ ભોસલે ઉર્ફે ‘ખોક્યા’ સામે નોંધાયેલા કેસોમાં તેમને ફસાવવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું હતું, એમ પણ તેમણે જણાવ્યું હતું.
મહારાષ્ટ્રના બીડ જિલ્લાના ભાજપના પદાધિકારી ભોસલે ધસના સહયોગી તરીકે જાણીતા હતા અને તેમને જંગલી પ્રાણીઓના શિકારના કેસનો પણ સામનો કરવો પડી રહ્યો છે. ‘પરલી (બીડ જિલ્લાના) કેટલાક નેતાઓ મારા મતવિસ્તારમાં આવ્યા અને એવો દાવો કર્યો હતો કે ભોંસલેએ મને હરણનું માંસ મોકલ્યું હતું. મેં ક્યારેય આવું માંસ ખાધું નથી,’ એમ ધસે એક મરાઠી અખબારને જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે તેઓ ‘માલકારી’ (ભગવાન વિઠ્ઠલના ભક્ત) છે જેઓ માંસનું સેવન ન કરવા માટે જાણીતા છે.
‘(રાજસ્થાનનો) બિશ્નોઈ સમુદાય હરણને પવિત્ર માને છે. મને ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેથી લોરેન્સ બિશ્નોઈ જેવો ગેંગસ્ટર મારી વિરુદ્ધ કાર્યવાહી કરે,’ એમ તેમણે કહ્યું હતું. ધસે કહ્યું કે ‘બિશ્નોઈ ગેંગ’ના સભ્યોને તેમને ‘ખતમ’ કરવાના ઈરાદાથી મુંબઈ લાવવામાં આવ્યા હતા, તેમણે ઉમેર્યું હતું કે તેમની પાસે રાજસ્થાનથી કેટલીક વ્યક્તિઓ માટે ફ્લાઇટની ટિકિટ ખરીદવામાં આવી હોવાની માહિતી હતી. તેમણે કહ્યું કે તેઓ આ મામલો મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સમક્ષ ઉઠાવશે.
તેમણે બીડ જિલ્લામાં મસાજોગ સરપંચ સંતોષ દેશમુખની હત્યાનો મુદ્દો ઉઠાવ્યો હતો જેના કારણે ભારે હોબાળો મચી ગયો હતો અને આ મુદ્દે એનસીપીના નેતા ધનંજય મુંડેની ટીકા કરી હતી. ‘હવે, ભોંસલે કેસમાં આ આરોપો સાથે, મારા પર દોષારોપણ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે,’ એવો દાવો તેમણે કર્યો હતો.
આપણ વાંચો : બીડ જિલ્લાના સરપંચની હત્યા પ્રકરણ સુરેશ ધસે ફરી આક્રમક