બાયોટેક કંપનીના મેનેજરે નકલી વૉટર સપ્લાય લિંક પર ક્લિક કરીને 27 લાખ રૂપિયા ગુમાવ્યા

થાણે: ઓનલાઇન છેતરપિંડી આચરનારાઓએ વિવિધ વિગતો અપડેટ કરવાને નામે નકલી વૉટર સપ્લાય લિંક મોકલીને બાયોટેક કંપનીના ફાઇનાન્સ મેનેજરને 27 લાખ રૂપિયાનો ચૂનો ચોપડ્યો હોવાનું નવી મુંબઈ પોલીસના અધિકારીએ જણાવ્યું હતું.
તુર્ભે પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા અનુસાર 8 જાન્યુઆરીએ આ ઘટના બની હતી. બાયોકેટ કંપનીના ફાઇનાન્સ મેનેજરને લિંક સાથેનો વ્હૉટ્સઍપ મેસેજ આવ્યો હતો. એ સિવાય એમઆઇડીસીના અધિકારી હોવાનો દાવો કરનારી વ્યક્તિનો કૉલ પણ તેને આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે જો ચોક્કસ વિગતો અપડેટ કરવામાં નહીં આવે તો તેની કંપનીનો પાણી પુરવઠો બંધ કરી દેવામાં આવશે.
તેણે લિંક ઑપન કરતાં બે કલાકના સમયગાળામાં 14 વ્યવહારોમાં તેના કરન્ટ અકાઉન્ટમાંથી 26 લાખ અને 1.70 લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા.
આથી તેણે ત્વરિત તેના બૅંક અકાઉન્ટ્સ ફ્રીઝ કરી દીધા હતા અને નેશનલ સાયબર હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ અજાણ્યા શખસો વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી, એમ તુર્ભે પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.
(પીટીઆઇ)



