સ્પીડ બ્રેકર પરથી ઊછળીને બાઈક બસ સાથે ટકરાઈ: બે યુવકનાં મોત

મુંબઈ: પૂરપાટ વેગે આવેલી બાઈક સ્પીડ બ્રેકર પરથી ઊછળીને રસ્તાને કિનારે પાર્ક કરાયેલી બસ સાથે ટકરાતાં બે યુવકનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે એક ગંભીર રીતે ઘવાયો હોવાની ઘટના માહિમ નજીક બની હતી. પાર્ટી કરીને પાછા ફરી રહેલા યુવકો ઘટના સમયે નશામાં હોવાનું પોલીસનું કહેવું છે.
માહિમ પોલીસના જણાવ્યા મુજબ રવિવારની રાતે 11.30 વાગ્યાની આસપાસ તુલસી પાઈપ રોડ ખાતે બનેલી ઘટનામાં ભાવેશ ધાર્મે (27) અને નીલેશ પાટીલ (25)નાં મૃત્યુ થયાં હતાં. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વિકાસ સોનાવણેને સારવાર માટે કેઈએમ હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો.
પોલીસના જણાવ્યા મુજબ ત્રણેય મિત્ર પાર્ટી કરીને દારૂના નશામાં બાઈક પર ટ્રીપલ સીટ દાદર સ્ટેશન તરફ જવા નીકળ્યા હતા. ઘટનાસ્થળ પાસેના સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ જોતાં બાઈક પૂરપાટ વેગે આવતી નજરે પડે છે. બાઈક ચલાવી રહેલા પાટીલને સ્પીડ બ્રેકરનું ધ્યાન ન રહેતાં બાઈક ઊછળીને બસ સાથે ટકરાઈ હતી.
બસ સાથે બાઈક એટલી જોરથી ભટકાઈ હતી કે ત્રણેય જણ રસ્તા પર દૂર સુધી ફંગોળાઈ ગયા હતા. ઘટના સમયે ત્રણ મિત્રમાંથી કોઈએ પણ હેલ્મેટ પહેરી નહોતી. આ પ્રકરણે માહિમ પોલીસે પાટીલ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.