ડાયમંડનું દેશનું સૌથી મોટું ક્લસ્ટર બનશે નવી મુંબઈમાં
20,000 કરોડનું રોકાણ અને એક લાખ પ્રત્યક્ષ-અપ્રત્યક્ષ રોજગારનું નિર્માણ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ડાયમંડનું દેશનું સૌથી મોટું ક્લસ્ટર નવી મુંબઈના મહાપે ખાતે બની રહ્યું છે. રૂ. 20,000 કરોડના રોકાણ સાથે બની રહેલા આ પ્રોજેક્ટ દ્વારા પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે એક લાખ લોકોને રોજગાર મળશે એવી જાહેરાત કરતાં રાજ્યના ઉદ્યોગ પ્રધાન ઉદય સામંતે જણાવ્યું હતું કે રાજ્યમાં સ્થાપિત થઈ રહેલા ઉદ્યોગોને મહારાષ્ટ્ર શાસન કેટલીક સવલત અને પ્રોત્સાહન આપી રહી છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારના નેતૃત્વ હેઠળ મહારાષ્ટ્ર વિદેશી રોકાણમાં આજે નંબર એક પર છે.
જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રની કેન્દ્ર સરકારની શિખર સંસ્થા જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા નવી મુંબઈમાં ઈન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક બનાવવામાં આવી રહ્યો છે. આ પાર્કમાં 2,000 સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ ઘટક સ્થાપિત થશે. અનેક મોટી નામાંકિત સંસ્થાઓ પણ અહીં રોકાણ કરવાની છે. આવા પ્રકારનો આ દેશનો એકમાત્ર પ્રોજકક્ટ છે, એમ પણ સામંતે કહ્યું હતું.
આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર દ્વારા 86,053 ચોરસ મીટર જગ્યા ફાળવવાનો નિર્ણય પહેલી માર્ચ, 2019ના રોજ ઉદ્યોગ મંડળની ઉપસમિતિ દ્વારા લેવામાં આવ્યો હતો. ત્યારે બાદ જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક માટે સ્ટેમ્પ ડ્યૂટીમાં રાહત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ એમઆઈડીસીને આપવામાં આવેલા 3 એફએસઆઈમાં બીજી બે એફએસઆઈ વધારીને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ વધારાની બે એફએસઆઈમાંથી એક એફએસઆઈ લેબ ગ્રોન ડાયમંડ્સ (પ્રયોગશાળામાં બનાવવામાં આવેલા હીરા) ઉદ્યોગ માટે અનામત રાખવામાં આવશે અને બાકીની એક એફએસઆઈ બાંધીને તૈયાર કરીને એમઆઈડીસીને વિનામુલ્ય હસ્તાંતરિત કરવાની રહેશે. આ વિસ્તાર જેમ્સ એન્ડ જ્વેલરી તેમ જ લેબ ગ્રોન ડાયમંડ્સ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગોને આપવા માટે અનામત રાખવામાં આવશે.