થાણેના બાળકુમ વિસ્તારમાં મોટી દુર્ઘટનાઃ આટલા મજૂરનાં મોત
મુંબઈઃ થાણેમાં બાળકુમ વિસ્તારમાં એક નિર્માણાધીન 40 માળની બિલ્ડિંગમાં લિફટ પડવાની દુર્ઘટનામાં છ જેટલા મજૂરનાં મોત થયાં હોવાનું જાણવા મળે છે.
થાણેના બાળકુમ વિસ્તાર સ્થિત વિસ્તારની એક 40 માળની ઈમારતમાં આ બનાવ બન્યો હતો. બિલ્ડિંગની લિફ્ટ પડવાને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીંની બિલ્ડિંગનું બાંધકામ પૂરું થયા પછી ઈમારતની છત પર વોટર પ્રૂફિંગનું કામકાજ ચાલી રહ્યું હતું. આ કામકાજ પૂરું થયા પછી મજૂરો નીચે આવી રહ્યા હતા ત્યારે અચાનક આ દુર્ઘટના સર્જાઈ હતી.
આ દુર્ઘટના પછી પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે, એમ પ્રશાસન દ્વારા જણાવ્યું હતું. પ્રાથમિક તબક્કે ઘટનાસ્થળે જ પાંચેક મજૂરના મોત થયા હતા, જ્યારે બે જણને ગંભીર ઈજા પહોંચી છે, એમ પોલીસે જણાવ્યું હતું.
હજુ સુધી નક્કર માહિતી ઉપલબ્ધ મળી નથી. દુર્ઘટના પછી બચાવ કામગીરી તાત્કાલિક હાથ ધરવામાં આવી હતી, જ્યારે અસરગ્રસ્તોને વધુ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હાલમાં તપાસ ચાલી રહી છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.