કોસ્ટલ રોડ માટે આવ્યા મોટા સમાચાર, પાલિકા એકાદ મહિનામાં એક ભાગને વાહનચાલકો માટે ઓપન કરી શકે
મુંબઈ: દેશના આર્થિક પાટનગરમાં ટ્રાફિક જામની સમસ્યા વધી રહી છે. મુંબઈ અને ઉપનગરોમાં વાહનને 30 કિલોમીટરની ઝડપે પણ ચલાવવું મુશ્કેલ બન્યું છે. જોકે હવે મુંબઈગરાઓને વાહનને 80 કિલોમીટર પ્રતિ કલાકે ચલાવવાનો પણ મોકો મળવાનો છે. તાજેતરમાં મુંબઈના મરીન ડ્રાઇવથી વરલી સુધી બનતો 10.58 કિલોમીટર લાંબા કોસ્ટલ રોડ ટનલના એક ભાગને નવ ફેબ્રુઆરી 2024 સુધી બૃહદ મુંબઈ મહાનગર પાલિકા (બીએમસી) દ્વારા ખોલવામાં આવી શકે છે. આ મામલે બીએમસીના મુખ્ય એન્જિનિયરે જણાવ્યું હતું કે આ કોસ્ટલ રોડ પર વાહનો 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ દોડી શકે તે માટે આ રોડને ખાસ પ્રકારે ડિઝાઇન કરવામાં આવ્યો છે. જોકે આ ઝડપ ખૂબજ વધારે હોવાથી રોડ પર ચાલતા વાહનોની ઝડપને 80 કિલોમીટર પ્રતિ કલાક સુધી રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
તેમણે કહ્યું કે કોસ્ટલ રોડ પર દોડતા વાહનો પર નજર રાખવા માટે ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ પણ બેસાડવામાં આવી છે. આ સિસ્ટમ નક્કી કરવામાં આવેલી સ્પીડ લિમિટ કરતાં વધુ ઝડપે ચાલતા વાહનોની માહિતી ટ્રાફિક પોલીસ પાસે પહોંચાડશે અને ત્યારબાદ વાહન ચાલક સામે કાર્યવાહી કરી દંડની વસૂલાત કરવામાં આવશે. આ રોડ પર સુરક્ષાને ધ્યાનમાં રાખીને દર 100 મીટર પર સીસીટીવી કૅમેરા બેસાડવામાં આવશે. વરલીથી મરીન ડ્રાઇવ દરમિયાનના વિસ્તારમાં લગભગ 100 જેટલા કૅમેરા ઇન્સ્ટોલ કરવામાં આવવાના છે. આ સાથે જો ટનલમાં કોઈપણ આગ લાગવાની ઘટના બનશે તો તેમાંથી નીકળતો ધુમાડો પણ શકાર્ડો સિસ્ટમની મદદથી આપોઆપ ટનલની બહાર નીકળી જશે. આ દેશનો પહેલો જ પ્રોજેકટ છે જ્યાં ચાર ક્વીક રીસ્પોન્સ વાહનો, બે અગ્નિશમન દળની ગાડી પણ તહેનાત કરવામાં આવશે. આ કોસ્ટલ રોડને લીધે 10 કિલોમીટરનું અંતર માત્ર 10 મિનિટમાં પૂરું થશે.
મરીન ડ્રાઇવથી વરલીની મુસાફરીને ઝડપે બનાવાવ માટે નિર્માણ કરવામાં આવતા કોસ્ટલ રોડનું કામ 84 ટકા પૂર્ણ થઈ ગયું છે. તેમ જ અત્યાર સુધી 13983 કરોડ રૂપિયાનો ખર્ચ આ પ્રોજેકટ માટે કરવામાં આવ્યો છે. આ કોસ્ટલ રોડ ટનલને સવારે આઠ વાગ્યાથી રાતે આઠ વાગ્યા સુધી ખૂલો મૂકવામાં આવવાનો છે. આ રોડના નિર્માણ માટે વર્ષ 1697માં એસઆરડીપી બનાવવામાં આવી હતી. આ સાથે 19 જુદી જુદી એજન્સીની પરવાનગી પણ લેવામાં આવી હતી. 2018માં આ પ્રોજેક્ટને શરૂ કરવા માટે સુપ્રીમ કોર્ટની પરવાનગી મળ્યા બાદ કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ ટનલને પૂર્ણ કરવા માટે મલબાર હિલ અને સમુદ્રની નીચે ટનલનું બંદકામ કરવું ખૂબજ મુશ્કેલ હતું. આ પ્રોજેકટ માટે મરીન ડ્રાઇવથી પ્રિય દર્શિન પાર્ક સુધી 2.07 કિલોમીટર લાંબી ટનલનું નિર્માણ કરવામાં આવ્યું હોવાની માહિતી એક અધિકારીએ આપી હતી.
કોસ્ટલ રોડ ટનલનો માત્ર એક ભાગ જ ખોલવામાં આવતા દક્ષિણ મુંબઈમાં ટ્રાફિક જામની સમસ્યા નિર્માણ થાય એવો આક્ષેર્પ એક ભુતપૂર્વ નેતાએ કર્યો હતો. આ રોડને ખોલવા માટે આ પ્રકારની ઉતાવળ માત્ર ચૂંટણીનો સમય આવતા જ થઈ રહી છે. આ રોડનો એક બાજુના જ ભાગને ખૂલો મૂકવામાં આવતા માત્ર એક જ તરફના વાહનો ટનલનો ઉપયોગ કરી શકશે જેથી બીજી તરફ ટ્રાફિક નિર્માણ થશે એવો આરોપ પણ તેમણે લગાવ્યો હતો.