મહારાષ્ટ્ર કૉંગ્રેસના મોટા નેતા સસ્પેન્ડ: ભાજપમાં જોડાશે એવી ચર્ચા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર અને જળગાંવના રાજકારણમાં સોમવારે મોટી ઉથલપાથલ જોવા મળી હતી. જળગાંવ કૉંગ્રેસના ભૂતપૂર્વ ઉપાધ્યશ્ર અને ભૂતપૂર્વ સંસદસભ્ય ડૉ. ઉલ્હાસ પાટીલને છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બીજી તરફ તેઓ પત્ની સાથે ભાજપમાં જોડાઈ જવાના છે એવી ચર્ચા ચાલી રહી છે.
ડૉ. ઉલ્હાસ પાટીલ, તેમના પત્ની વર્ષા પાટીલ અને કૉંગ્રેસના યુવક જિલ્લાધ્યક્ષ દેવેન્દ્ર મરાઠેને સોમવારે અચાનક સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાના સમાચાર મળતાં જ જળગાંવના રાજકારણમાં સન્નાટો ફેલાઈ ગયો હતો. નાના પટોલે વતી આ ત્રણેયને સસ્પેન્શનનો પત્ર સોમવારે આપવામાં આવ્યો હતો.
બીજી તરફ જળગાંવના રાજકીય સૂત્રોના જણાવ્યા મુજબ ડૉ. ઉલ્હાસ પાટીલ, તેમનાં પત્ની વર્ષા પાટીલ અને પુત્રી કેતકી પાટીલ ત્રણેય ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ જશે એવી ચર્ચા થઈ રહી છે.
ઉલ્હાસ પાટીલ જળગાંવના કૉંગ્રેસના દિગ્ગજ નેતા છે. લોકસભા ચૂંટણી પહેલાં તેઓ ભાજપમાં જોડાય તો પક્ષને માટે મોટો ફટકો પડી શકે છે. બીજી તરફ તેઓ ભાજપમાં જાય તો ભાજપની તાકાત બમણી થઈ શખે છે. મહાવિકાસ આઘાડી એક તરફ ભાજપનો સામનો કરવા માટે રણનીતિ ઘડી રહી છે ત્યારે કૉંગ્રેસના આંતરિક ડખા સામે આવી રહ્યા છે.