ભાજપ (મહાયુતિ)ને મોટો ફટકો: રાજ્યમાં કૉંગ્રેસ સૌથી મોટો પક્ષ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોકસભાની ચૂંટણીના પરિણામોમાં મહારાષ્ટ્રમાં મોટી ઉથલપાથલ જોવા મળી હતી. મુંબઈમાં મહાયુતિને 40-45 બેઠકો અપાવવાની મોટી મોટી વાત કરનારા ભાજપના નેતાઓ ભોંયભેગા થઈ ગયા હતા અને કૉંગ્રેસે રાજ્યમાં સૌથી મોટો પક્ષ બનીને ભાજપ, મહાયુતિ અને બધા જ રાજકીય નિરીક્ષકોને આંચકો આપ્યો છે. 2019માં ફક્ત એક જ બેઠક પર વિજય મેળવી શકનારી કૉંગ્રેસે 13 બેઠક પર વિજય મેળવીને સફળતાની ટકાવારીમાં 1300 ટકાનો જંગી કુદકો લગાવ્યો છે. ભાજપ 10 બેઠકો સાથે રાજ્યમાં બીજા નંબરનો પક્ષ બન્યો હતો. આ ઉપરાંત રાજ્યમાં વિજયી થયેલો એકમાત્ર અપક્ષ ઉમેદવાર કૉંગ્રેસનો બળવાખોર ઉમેદવાર છે એ બાબતને ધ્યાનમાં લેવામાં આવે તો તેમની સંખ્યામાં હજી વધારો થાય છે.
દેશમાં ઉત્તર પ્રદેશ પછી સૌથી વધુ 48 બેઠકો ધરાવતા મહારાષ્ટ્રમાં સાત મોટા રાજકીય પક્ષો મેદાનમાં હતા. કૉંગ્રેસ અને ભાજપ ઉપરાંત શિવસેના અને શિવસેના (યુબીટી), એનસીપી અને એનસીપી (એસપી) અને વંચિત બહુજન આઘાડી મેદાનમાં હોવાથી મહારાષ્ટ્રનો રાજકીય જંગ રસપ્રદ બન્યો હતો. સત્તાધારી મહાયુતિ (ભાજપ, શિવસેના અને એનસીપી) અને વિપક્ષી મહાવિકાસ આઘાડી (કૉંગ્રેસ, શિવસેના (યુબીટી) અને એનસીપી (એસપી) અથવા ઈન્ડી ગઠબંધન અને વંચિત આઘાડી એમ ત્રણ મોરચા લડી રહ્યા હતા.
બેઠકોની વહેંચણીમાં રાજ્યમાં સૌથી વધુ 28 બેઠક પર ભાજપે ઉમેદવાર ઊભા રાખ્યા હતા, 21 બેઠક પર શિવસેના (યુબીટી) લડી રહી હતી, જ્યારે કૉંગ્રેસ 17, શિવસેના એકનાથ શિંદે 15, એનસીપી એસપી 10 અને એનસીપીએ ચાર બેઠક પર ઉમેદવારો ઉતાર્યા હતા.
કૉંગ્રેસે રાજ્યમાં 13 બેઠક પર વિજય મેળવ્યો હતો, જ્યારે ભાજપને 10 બેઠકો પર વિજય મળ્યો હતો. શિવસેના યુબીટી નવ બેઠક પર વિજય મેળવીને ત્રીજા નંબરે રહી હતી જ્યારે શિવસેના (એકનાથ શિંદે) અને એનસીપી શરદ પવારને સરખે સરખી સાત-સાત બેઠકો મળી હતી. એનસીપી અજિત પવારને એક અને કૉંગ્રેસના બળવાખોર ઉમેદવાર વિશાલ પાટીલને એક બેઠક પર વિજય મળ્યો છે.
કૉંગ્રેસના સારા દેખાવમાં રાહુલ ગાંધીની પદયાત્રા અને રાજ્યમાં ભાજપ વિરોધી વાતાવરણ તૈયાર કરવામાં નેતાઓ દ્વારા લેવામાં આવેલી મહેનતને જવાબદાર માનવામાં આવે છે.