બિડમાં બિલ માંગવાના ચક્કરમાં વેઈટરને એક કિલોમીટર કારમાં ઢસડ્યો, કર્યું આ કારસ્તાન

મુંબઈઃ મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં બિલ માંગવા પર એક વેઈટરને માર મારવામાં આવ્યો હતો. જ્યારે વેઈટર બિલના પૈસા લેવા માટે સ્કેનર લઈને ગ્રાહકોની કાર પાસે ગયો ત્યારે બિલ ભરવાને બદલે કારચાલકોએ વેઈટરને પકડીને લગભગ એક કિલોમીટર સુધી ઢસડીને લઇ ગયા. આ પછી વેઈટરને બંધક બનાવીને આખી રાત માર માર્યો હતો. આ ભયાનક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
મળતી માહિતી મુજબ બીડ જિલ્લાના માજલગાંવ પાસે સ્થિત ડીંડુડ ગામના એક ઢાબામાં આ ઘટના ઘટી હતી. ત્રણ આરોપીઓએ પહેલા પેટ ભરીને ભોજન લીધું અને જ્યારે વેઈટરે બિલ ભરવાનું કહ્યું ત્યારે તેઓએ ઓનલાઈન પેમેન્ટનું બહાનું બનાવી ક્યુઆર કોડ સ્કેનર લાવવાનું કહ્યું. આ પછી, પૈસા આપવાને બદલે તેઓ તેમની કારમાં ભાગવા લાગ્યા હતા. જ્યારે વેઈટર શેખ સાહિલ અનુસુદ્દીન સ્કેનર લઈને કાર તરફ દોડ્યો, ત્યારે આરોપીઓ તેને પકડીને એક કિલોમીટર સુધી ઢસડીને લઇ ગયા.
વેઈટરને માર મારીને તેના ખિસ્સામાંથી આશરે ૧૧,૫૦૦ રૂપિયા લઇ લીધા હતા. આ પછી, તેને આંખે પાટા બાંધીને કોઈ અજાણી જગ્યાએ બંધક બનાવી આખી રાત મારવામાં આવ્યો. આખરે રવિવારે સવારે પીડિતને ધારુર તાલુકાના ભાઈજાલી શિવરા ખાતે મુક્ત કરવામાં આવ્યો હતો.
ઘટના બાદ વેઈટરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મુખ્ય આરોપી સખારામ જનાર્દન મુંડે અને અન્ય બે અજાણ્યા લોકો સામે કેસ નોંધ્યો છે અને તપાસ ચાલુ છે.