પૂર્વના પરાંમાં કૉંક્રીટાઈઝેશનની ધીમી ગતિ: કૉન્ટ્રેક્ટરોને ચેતવણી…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના રસ્તાના કૉંક્રીટાઈઝેશનના કામ કૉન્ટ્રેક્ટરોએ ચોમાસા પહેલા એટલે કે ૩૧ મેની મુદત સુધીમાં પતાવાના છે. જોકે પૂર્વ ઉપનગરમાં કામ અત્યંત ધીમી ગતિએ ચાલી રહ્યું હોવાથી પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ કૉન્ટ્રેક્ટરોને તેમની કામની પધ્ધતિમાં સુધારો નહીં કર્યો તો તેમનો કૉન્ટ્રેક્ટ રદ કરવાની સાથે જ તેમની સામે આકરાં પગલાં લેવાની ચેતવણી આપી છે.
રસ્તાઓ પર ખાડા પડવાની સમસ્યા દૂર કરવા માટે તમામ રસ્તાઓનું કૉંક્રીટાઈઝેશનનું કામ હાથ મુંબઈ મહાનગરપાલિકાએ હાથ ધર્યું છે. હાલ મોટા પ્રમાણમાં ઠેર-ઠેર રસ્તાઓ ખોદી મૂકવામાં આવ્યા છે, તેની સામે કામ અત્યંત ધીમી ગતિએ ચાલી રહ્યું હોવાથી પાલિકા પ્રશાસનની ભારે ટીકા થઈ રહી છે. તેથી પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ શુક્રવારે રસ્તાના કામ કરનારા કૉન્ટ્રેક્ટરો સાથે મીટિંગ કરી હતી, એ દરમ્યાન તેમને કૉંક્રીટાઈઝેશનના કામ ઝડપથી કરવાની સાથે જ તેની ગુણવત્તા જળવાઈ રહે તે મુજબ કામ કરવાની સૂચના આપી હતી. સાથે જ ચોખ્ખા શબ્દોમાં ચેતવણી સુધ્ધાં આપી હોવાનું કહેવાય છે કે જો તેઓએ ખોદી મૂકેલા રસ્તાના કામ ધીમી ગતિેએ કર્યા અને તેમની કામ કરવાની પદ્ધતિમાં સુધારો લાવ્યા નહીં તો તેમની પાસેથી કૉન્ટ્રેક્ટર રદ કરવામાં આવશે. એ ઉપરાંત કામ ધીમી ગતિએ કરવા બદ્લ તેમની સામે આકરા પગલાં પણ લેવામાં આવશે.
મુંબઈમાં અત્યાર સુધી ૧,૩૩૩ કિલોમીટર રસ્તાના કૉંક્રીટીકરણનું કામ પૂરું થયું છે. બાકી રહેલા રસ્તાના કામ બે તબક્કામાં હાથ ધરવામાં આવ્યા છે. પહેલા તબક્કામાં કુલ ૬૯૮ રસ્તાના કામ (૩૨૪ કિલોમીટર) તો બીજા તબક્કામાં કુલ ૧,૪૨૦ રસ્તા (૩૭૭ કિલોમીટર)ના કૉંક્રીટીકરણ કામ પ્રસ્તાવિત છે. રસ્તાના કામ માટે કુલ નવ કૉન્ટ્રેક્ટર નીમવામાં આવ્યા છે. જોકે તેમના કામની પ્રગતીમાં ફરક છે. અમુક કૉન્ટ્રેક્ટર અપેક્ષિત ઝડપે તો અમુક કૉન્ટ્રેક્ટર અત્યંત ધીમી ગતિએ કામ કરી રહ્યા હોવાનું જણાઈ આવ્યું હતું, તેથી શુક્રવારે પાલિકા કમિશનરે કૉન્ટ્રેક્ટરો સાથે આ મુદ્દે ચર્ચા કરીને તેમને ૩૧ મે સુધીમાં કામ પૂરું કરવાની સૂચના આપી હોવાનું પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.
પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ કહ્યું હતું કે ૩૧ મે, ૨૦૨૫ બાદ કોઈ પણ રસ્તાનું કૉંક્રીટાઈઝેશનનું કામ અડધું જણાયું તો સંબંધિત કૉન્ટ્રેક્ટર વિરુદ્ધ આકરા પગલા લેવામાં આવશે.હજી પણ બે મહિનાનો સમય બાકી છે. આ સમય દરમ્યાન કામ પૂરા કરવા શક્ય છે. જો કૉન્ટ્રેક્ટર કામ પ્રત્યે બેદરકારી રાખી રહ્યો હશે અથવા જાણીજોઈને કામ ધીમી ગતિએ કરતો હોવાનું જણાયું તો તેની સામે કડક પગલા લઈશું.