આમચી મુંબઈટોપ ન્યૂઝ

કૉંક્રીટાઈઝેશનના કામ ૭૦ દિવસમાં કામ પૂરા કરો: સુધરાઈ કમિશનર…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: એક તરફ રસ્તાના કામમાં કરોડો રૂપિયાના કૌભાંડ થયા હોઈ તેની તપાસ કરાવવાની માગણી વિધાનસભાના ચાલી રહેલા અધિવેશનનમાં વિરોધપક્ષ દ્વારા કરવામાં આવી રહી છે અને સત્તાધારી દ્વારા કામ ઝડપથી કરવાનો પાલિકાને આદેશ આપવામાં આવ્યો છે ત્યારે સત્તાધારી અને વિરોધપક્ષ વચ્ચે પીસાઈ રહેલી મુંબઈ મહાનગરપાલિકા પ્રશાસને ચોમાસા પહેલા એટલે કે ૭૦ દિવસની અંદર કૉંક્રીટાઈઝેશનના કામ પૂરા કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ મંગળવારે રોડ ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજેલી બેઠકમાં ૩૧ મે, ૨૦૨૫ પહેલા રસ્તાના સિમેન્ટ કૉંક્રીટાઈઝેશનના કામ પૂરા કરવાનો આદેશ આપ્યો હતો. તે માટે માઈક્રો પ્લાનિંગ કરવાની સૂચના પણ તેમણે આપી હતી.

પાલિકા કમિશનરે મંગળવારના યોજેલી બેઠકમાં અધિકારીઓને કામ ઝડપથી કરવાનો તથા ગુણવત્તા પર ભાર આપવાનો આદેશ આપ્યો હતો. તેમ જ સિનિયર એન્જિનિયરને સાઈટ પર સરપ્રાઈઝ વિઝિટ કરવાની ખાસ કરીને રાતના સમયે સાઈટ પર જવાની સૂચના પણ આપી હતી. પાણીની પાઈપલાઈન, સ્યુએજ લાઈન, ટેલિફોન લાઈન, ઈન્ટરનેટ જેવી યુટિલિટીઝ એજન્સીની લાઈનને કારણે રસ્તાના કામમાં વિલંબ થઈ રહ્યો છે. તેની ઉપાયયોજના કરવા માટે અને સમય નક્કી કરીને કામ ઝડપથી પૂરા કરવાની સૂચના પણ કમિશનરે આપી હતી. કોઈ પણ પરિસ્થિતિમાં ૩૧ મે, ૨૦૨૫ સુધીમાં કામ પૂરા કરવાના રહેશે. આ દરમ્યાન પાલિકાના એડિશનલ કમિશનર અભિજિત બાંગરે કહ્યું હતું કે જે રસ્તાનું કૉંક્રીટીકરણ ચોમાસા પહેલા થવાનું ન હોય ત્યાં ખાડા પડયા તો જવાબદારી કૉન્ટ્રેક્ટરની રહેશે, કારણકે આ રસ્તાઓ લાઈબીલિટી સમયગાળામાં છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્ર 2025માં ધોરણ 1 થી સીબીએસઈ અભ્યાસક્રમ શરૂ કરાશે, 2028 સુધીમાં તમામ ધોરણોમાં તેનો વિસ્તાર કરાશે…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button