યુનિકોન્ટિનેન્ટલ હોટલ સામે મુંબઈ સુધરાઈની તપાસ શરૂ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ખારમાં આવેલા યુનિકોન્ટિનેન્ટલ હોટલનું ઈન્સ્પેકશન કર્યાના એક દિવસ પછી આ હોટલે મુંબઈ મહાનગરપાલિકાના બિલ્ડીંગ વિભાગની મંજૂરીઓનું પાલન કર્યું છે કે નહીં, નિયમોનું કોઈ ઉલ્લંઘન કર્યું છે કે નહીં? તેની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ દરમ્યાન જો કોઈ અનિયમિતતા જણાઈ આવી તો પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીને રિપોર્ટ રજૂ કર્યા બાદ આગળની કાર્યવાહી માટે તેમના આદેશની રાહ જોવાશે એવું પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.
સોમવારે પાલિકાના એચ-પશ્ર્ચિમ વોર્ડના અધિકારીઓએ યુનિકોન્ટિનેન્ટલ હોટલની અંદર સ્થિત હેબિટેટ સ્ટુડિયોમાં જયાં કુણાલ કામરાએ શો કર્યો હતો, તે સ્ટેજનું માપ લીધું હતું. વોર્ડ ઓફિસ હવે પાલિકાના બિલ્િંડગ પ્રપોઝલ વિભાગ પાસેથી હોટલનો પ્લાન લઈને તેની સમીક્ષા કરશે. તેમણે હોટલને તમામ જરૂરી ઓપરેટિંગ પરમિટ રજૂ કરવા માટે પણ કહ્યું છે. વધુમાં પાલિકા અધિકારીઓને બિલ્િંડગ પર બે મોબાઈલ ટાવર તેમ જ પરિસરમાં ચાલી રહેલા બાર અને રેસ્ટોરાં માટેની મંજૂરીની પણ તપાસ કરવાની છે, કારણકે દરેક માટે પાલિકા પાસેથી અલગ અલગ મંજૂરી મેળવવાની હોય છે.
પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ હોટલની બિલ્ડીંગ જૂની હોવાથી તેનો પ્લાન મેળવવામાં થોડો સમય લાગી રહ્યો છે. આ દરમ્યાન અમે હોટલ મેનેજમેન્ટને જરૂરી મંજૂરીના તમામ દસ્તાવેજો રજૂ કરવા માટે કહ્યું છે. અમે બે દિવસની રાહ જોઈશું. જો તેઓ આમ નહીં કરે તો તેમને કાર્યવાહીનો સામનો કરવો પડશે.
આ પણ વાંચો : એકનાથ શિંદે વિશે વાંધાજનક ટિપ્પણી: સ્ટૅન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા વિરુદ્ધ પોલીસે નોટિસ જારી કરી
ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ હોટલની બિલ્િંડગના બેઝમેન્ટનો ઉપયોગ સ્ટુડિયો તરીકે કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં તે ગેરકાયદે જણાઈ આવ્યો છે. સોમવારે સાંજે પાલિકાએ હોટલ પરિસરના ગેરકાયદે શેડ દૂર કર્યા હતા. તેની પાછળ થયેલો ખર્ચ હોટલ પાસેથી પાલિકા વસૂલ કરશે.