સુધરાઈના આજના બજેટમાં વર્તમાન ઈન્ફ્રા પ્રોજેક્ટના અમલને જ મહત્ત્વ અપાશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ભૂષણ ગગરાણી મંગળવારે ૨૦૨૫-૨૬ના નાણાકીય વર્ષ માટે તેમનું પહેલું બજેટ રજૂ કરશે. ચૂંટાયેલા નગરસેવકોની ગેરહાજરીમાં આ સતત ત્રીજું બજેટ રહેશે. નવા નાણાકીય બજેટમાં નવા મોટા પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવે એવી શક્યતા ઓછી છે અને હાલ ચાલી રહેલા મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને પૂરા કરવા પર જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે એવું માનવામાં આવે છે. આમાંનાં ઘણાં પ્રોજેક્ટ પૂરા થવાની તૈયારીમાં છે અને તેની માટે નોંધપાત્ર ભંડોળ ઉપલબ્ધ કરાવવામાં આવશે. હાલ ચાલી રહેલા પ્રોજેક્ટ માટે ભંડોળ ઊભું કરવું પણ પાલિકા માટે પડકારજનક જ રહેવાનું છે અને આવકનો મુખ્ય આધાર રિડેવલપમેન્ટ પરના પ્રીમિયમ, પ્રોપર્ટી ટેક્સ રિવિઝન તથા પાલિકાના મહત્ત્વનાં સ્થળોએ આવેલા પ્લોટની નીલામી વગેરે રહેશે.
Also read : શાળા પરિસરમાં નવ વર્ષની બાળકીને યુવાને ઈન્જેક્શન માર્યું: પોલીસ તપાસમાં લાગી
પાલિકાએ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ૫૯,૯૫૪ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું હતું, જે અગાઉના વર્ષ કરતા ૧૩.૯ ટકા વધુ હતું. આમાંથી ૩૧,૭૭૪ કરોડ રૂપિયા એટલે કે લગભગ ૫૩ ટકા કેપિટલ એક્સપેન્ડિચર (મૂડી ખર્ચ) માટે ફાળવવામાં આવ્યા હતા. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ સુધીમાં મૂડી ખર્ચનો લગભગ બાવન ટકા ઉપયોગ થઈ ગયો છે, જેમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, કોસ્ટલ રોડ, પુલ, રસ્તા, પાણી પુરવઠા પ્રોજેક્ટ પર વધુ ખર્ચ કરવામાં આવ્યો હતો.
પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ રસ્તાના કૉંક્રીટાઈઝેશન, સાત સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું અપગ્રેડેશન અને ગોરેગામ-મુુલુંડ લિંક રોડ જેવા મોટા પ્રોજેક્ટ પહેલાથી હાધ ધર્યા છે. વધુમાં વિક્રોલી અને અંધેરીના ગોપાલ કૃષ્ણ ગોખલે બ્રિજ, ગ્રાન્ટ રોડમાં બેલાસિસ બ્રિજ, દક્ષિણ મુંબઈના કર્ણાક બંદર બ્રિજ અને સાયન બ્રિજ સહિત અનેક મુખ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ હાથ ધર્યા હતા, જે આ વર્ષે પૂરા થવાના છે. તેથી આ પ્રોજેક્ટ માટે બજેટમાં નોંધપાત્ર જોગવાઈ કરવામાં આવશે.
છેલ્લા બે વર્ષમાં પાલિકાએ લગભગ એક લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટને મંજૂરી આપી છે, જેની માટે નાણાકીય ચૂકવણી હાલ પૂરતી કરવામાં આવવાની નથી પણ આગામી બેથી ત્રણ વર્ષમાં તેની ચૂકવણી કરવાની રહેશે, જે પાલિકા માટે પડકારજનક સાબિત થઈ શકે છે.
પાલિકાની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે અને ઈન્ફ્રાસ્ટ્રક્ટર પ્રોજેક્ટ માટે પૂરતા ભંડોળની આવશ્યકતા છે ત્યારે પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ પ્રોપર્ટી ટેક્સમાં વધારો કરવાની આવશ્યકતા છે, જે પાલિકાની આવકનો મુખ્ય સ્રોત છે. જે સામાન્ય રીતે દર પાંચ વર્ષે વધારવામાં આવે છે. છેલ્લે ૨૦૧૫માં તેમાં વધારો કરવામાં આવ્યો હતો.
Also read : મંત્રાલયમાં સુરક્ષા અને પારદર્શિતા માટે સરકારે લીધો નિર્ણય, FRS સિસ્ટમ કરી લાગુ
પાલિકા આવકમાં વધારો કરવા માટે પ્રોપર્ટી ટેક્સમાં સુધારો, કમર્શિયલ ઝૂંપડપટ્ટી પાસેથી પ્રોપર્ટી ટેક્સની વસૂલી, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ માટે વપરાશકર્તા પાસેથી યુઝર ફી વસૂલ કરવા, તેમ જ લીઝ અને ભાડા પર આપેલા પ્લોટના રિડેવલપમેન્ટ પોલિસીમાં સુધારા કરવા તેમ જ નવા પ્લોટ ભાડા પર આપવા બાબતે વિચાર કરી રહી છે. પાણી વેરામાં પણ આઠ ટકાનો વધારો અપેક્ષિત છે. જોકે આગામી સમયમાં પાલિકાની ચૂંટણી થવાની હોવાથી આ સુધરાઓને અમલમાં લાવવા રાજ્ય સરકાર પાસેથી મંજૂરી મેળવવી પાલિકાને નાકે દમ લાવી શકે છે.