આમચી મુંબઈ
ભુજબળનું રાજીનામું સ્વીકાર્યું નથી: ફડણવીસ
મુંબઈ: અન્ય પછાત જાતિ (ઓબીસી)ના વરિષ્ઠ નેતા અને રાજ્યના પ્રધાન છગન ભુજબળનું રાજીનામું નથી સ્વીકારવામાં આવ્યું એવી સ્પષ્ટતા મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કરી છે. શનિવારે રાત્રે સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં ફડણવીસે કહ્યું હતું કે આ મામલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વધુ પ્રકાશ પાડી શકશે. મરાઠાઓને અન્ય પછાત જાતિના ક્વોટામાં પાછલા દરવાજે પ્રવેશ આપવાનો તખ્તો તૈયાર કરવાનો આક્ષેપ મહારાષ્ટ્ર સરકાર પર મૂકનાર ભુજબળે શનિવારે જણાવ્યું હતું કે ગયા વર્ષે ૧૬ નવેમ્બરે તેમણે પ્રધાનમંડળમાંથી રાજીનામું આપી દીધું હતું. ફડણવીસે વધુમાં જણાવ્યું હતું કે ‘આ બાબતે મુખ્ય પ્રધાન સ્પષ્ટતા કરશે. હું તો અત્યારે એટલું જ કહી શકું કે ભુજબળનું રાજીનામું મેં કે મુખ્ય પ્રધાને સ્વીકાર્યું નથી.’ (પીટીઆઈ)