ભુજબળનું ભંડોળ કપાયું!! મરાઠા વિરોધી વલણ અપનાવવાનો ફટકો?
રાજકીય વર્તુળોમાં તર્કવિતર્ક

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યના પ્રધાનમંડળમાં સિનિયર મિનિસ્ટર તરીકેનો દરજ્જો ધરાવતા છગન ભુજબળ અન્ય વિધાનસભ્યો-પ્રધાનોનાં ભંડોળ પોતાના મતદારસંઘમાં વાળી નાખવા માટે જાણીતા છે, પરંતુ આ વખતે ઘડિયાળના કાંટા ઊંધા ફર્યા હોવાનું જોવા મળી રહ્યું છે. સમાજ કલ્યાણ ખાતા દ્વારા ભુજબળની સૂચનાની અવગણના કરી હોવાથી તેઓ ધુંઆફૂંઆ થયા હોવાનું કહેવાય છે.
ભુજબળની કરવામાં આવેલી અવગણનાને લઈને રાજકીય વર્તુળોમાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. કેટલાક સૂત્રો આને મરાઠા આરક્ષણ વિરોધી ભૂમિકા અપનાવવાનો ફટકો ગણાવી રહ્યા છે, જ્યારે અન્ય કેટલાક રાજ્યની કેબિનેટમાં ભુજબળના ઘટી રહેલા મહત્ત્વના એંધાણ ગણાવી રહ્યા છે. વાસ્તવમાં ભાજપના સ્થાનિક નેતાઓને ભુજબળ કરતાં વધુ મહત્વ આપવામાં આવ્યાનું જાણવા મળતાં આગામી દિવસોમાં રાજ્યના રાજકારણમાં મોટી ઉથલ પાથલ થવાના એંધાણ મળી રહ્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે યેવલામાં મરાઠા આંદોલનકારીઓ પર ભુજબળના ઈશારે નોંધવામાં આવેલા ગુના માટે ભાજપના સ્થાનિક નેતા અને જિલ્લા પરિષદના સભ્ય અમૃતા પવાર ફડણવીસને મળવા ગયા હતા તેની પણ નોંધ લેવામાં આવી રહી છે.
છગન ભુજબળ દ્વારા આપવામાં આવેલી કામની યાદીાંથી ફક્ત 10 ટકા કામને માટે જ ભંડોળની ફાળવણી કરવામાં આવી છે. આ ભંડોળ અત્યંત ઓછું હોવાથી યેવલા મતદારસંઘના કામની પ્રશાસકીય મંજૂરી અને તેને માટે ફાળવવામાં આવેલું ભંડોળ બંને રદ કરવાની સૂચના તેમણે અધિકારીઓને આપી હોેવાનું શુક્રવારે જાણવા મળ્યું હતું. ફક્ત ભુજબળ જ નહીં, અન્ય કેટલાક વિધાનસભ્યો દ્વારા પણ ભંડોળ અંગે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે.
નાશિક જિલ્લાના દલિત વસ્તી સુધાર યોજનાનો રૂ. 54 કરોડનો પ્લાન છે. તેમાં 650 કામ પ્રસ્તાવિત કરવામાં આવી છે. નિયોજન સમિતિને અનુસૂચિત જાતી ઘટક યોજનામાંથી મળેલા રૂ. 100 કરોડમાંથી ગ્રામ વિકાસ માટે ફક્ત 27 કરોડ મળ્યા છે. આવી જ રીતે ભુજબળની કચેરીએ યેવલા તાલુકાના વિવિધ ગામની દલિત વસ્તી વિકાસ યોજનાના 120 કામની યાદી આપી હતી તેમાંથી ફક્ત 10 ટકા કામને નજીવું ભંડોળ ફાળવવામાં આવ્યું છે, બાકીના કામને માટે ભંડોળ ફાળવવામાં આવ્યું નથી. બીજી તરફ ભુજબળે જેની ભલામણ નથી કરી એવા આ જ જિલ્લાના અનેક કામને મંજૂરી પણ આપવામાં આવી છે અને ભંડોળ પણ ફાળવવામાં આવ્યું છે.