ભુજ-મુંબઈ ફ્લાઈટ રદ થતાં ઉતારુઓ રઝળી પડ્યા
ફ્લાઈટ ઊપડી જ નહીં: ઉતારુઓની રઝળપાટ થઇ, ખાવા-પીવાનાં સાંસાં, એરલાઈન્સે અમારી જવાબદારી ન હોવાનું કહીને હાથ ખંખેરી લીધા
મુંબઈ: અનેક વાર એવું બનતું હોય છે કે આપણે કોઇ મહત્ત્વનું કામ હોય અને એના માટે વિમાનનું મોંઘું ભાડું ચૂકવીને આવવું પડતું હોય છે, પણ ઘણી એરલાઈન્સવાળાઓ આવી પરિસ્થિતિને સમજતા નથી હોતા અને પેસેન્જરનું જે થવાનું હોય તે થાય, પણ ફ્લાઈટ રદ થઇ ગઇ છે એવું કહેવાની તેઓ જાહેરાત કરી દેતા હોય છે. આવો અનુભવ વિદ્યાવિહારની સ્કાયલાઈન ઓએસીસમાં રહેતા અને એસી ડક્ટિંગનો બિઝનેસ કરતા અરવિંદ ભાનુશાલી અને તેમના જ્ઞાતિના સભ્યોને થયો હતો.
ધાર્મિક કામ માટે અરવિંદ ભાનુશાલી અને તેમની જ્ઞાતિના ચાર ભાઈઓ ભુજ આવ્યા હતા. પાંચ દિવસનાં રોકાણ બાદ તેઓ બુધવારે કામ પૂરું કરીને ફ્લાઈટમાં મુંબઈ આવવા માટે નીકળવાના હતા. બુધવારે ભુજથી મુંબઈ આવવા માટેની ફ્લાઈટની તેમણે ટિકિટ કઢાવી હતી, પણ ટેક્નિકલ કારણસર ફ્લાઈટ રદ કરવી પડે એમ હોય એવી જાહેરાત કરી દેવામાં આવી હતી. આને કારણે આ ફ્લાઈટના 60 પેસેન્જરને ભારે રઝળપાટ અને ભાગદોડ કરવાનો વારો આવ્યો હતો.
એરલાઈન્સે ફ્લાઈટ તો રદ કરી, પણ સુવિધાને નામે મીંડું, એવી ફરિયાદ કરીને અરવિંદ ભાનુશાલીએ મુંબઈ સમાચારને જણાવ્યું હતું કે સવારે 9.05 વાગ્યાની ફ્લાઈટ હોવાથી બે કલાક વહેલું એરપોર્ટ પર પહોંચવાનું હોવાથી અમે સાત વાગ્યે જ એરપોર્ટ પહોંચી ગયા હતા. ફ્લાઈટ તેના નિયમિત સમયે ઊપડવાની હતી ત્યાં સુધી કોઇ જાણ નહોતી કરાઈ, પણ અચાનક જ અમને સવાઅગિયાર વાગ્યે કહી દેવામાં આવ્યું કે ફ્લાઈટ રદ કરી દેવામાં આવી છે. મુંબઈ પહોંચવું ખૂબ જરૂરી હોવાથી અમે થોડા સમય બાદ ચાર કિ.મી. દૂર ભુજ સ્ટેશને 1.15 વાગ્યાની ટે્રન પકડવા માટે પહોંચી ગયા હતા. અમે ભુજથી પુણે જતી ટે્રનમાં 3-એસીની ટિકિટ કઢાવી હતી અને સવાબાર વાગ્યે ભુજ સ્ટેશને પહોંચી ગયા હતા. દરમિયાન સાડાબાર વાગ્યે એરપોર્ટ પરથી એક પેસેન્જરનો ફોન આવ્યો હતો કે પ્રોબ્લેમ સોલ્વ થઇ ગયો હોવાથી તેઓ ફ્લાઈટ ઉડાડવા માગે છે. આને કારણે અમે સ્ટેશનેથી ફરી પાછા એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા.
બપોરે બે વાગ્યે ફ્લાઈટ ફ્લાય કરવાની છે, એવું અમને કહેવામાં આવ્યું હતું. ફ્લાઈટ તેના નિયત સમયે ઊપડી પણ ખરી, પણ 40 મિનિટ આકાશમાં ચક્કર લગાવ્યા બાદ ફરી પાછી ભુજ એરપોર્ટ પર ઊતરી ગઇ હતી. આ વખતે પણ એરલાઈન્સના સ્ટાફે અમને ટેક્નિકલ ખામી હોવાનું જ જણાવ્યું હતું. બે બે વાર ટટળાવ્યા બાદ પેસેન્જરોમાં ભારે રોષ ભભૂક્યો હતો અને જ્યાં સુધી બીજી કોઇ વ્યવસ્થાન કરવામાં નહીં આવે ત્યાં સુધી ફ્લાઈટમાંથી ઊતરીશું નહીં, એવું કહીને પેસેન્જરો ફ્લાઈટમાં જ અડિંગો જમાવીને બેસી ગયા હતા.
આ બધું તો ઠીક પણ અમને મુંબઈ પહોંચાડવાની જવાબદારી તમારી છે તો અમને ગમે તેમ કરીને પહોંચાડો, એવું જ્યારે અરવિંદ ભાનુશાલીએ એરપોર્ટ સ્ટાફને જણાવ્યું ત્યારે તેઓએ હાથ ખંખેરી લીધા હતા અને કહ્યું હતું કે એ અમારી જવાબદારી નથી. જોકે બીજી બાજુ તેઓ એવું પણ કહેતા હતા કે તમને બસમાં મુંબઈ પહોંચાડવાની વ્યવસ્થા કરીએ, પણ ટિકિટના પૈસા નહીં મળે.
એરલાઈન્સને કારણે જે હાલાકી ભોગવવાનો વારો આવ્યો એ અંગે અરવિંદભાઈએ કહ્યું હતું કે અમે તમામ પેસેન્જરો સવારથી ભૂખ્યા રખડી રહ્યા હતા. ન તો એ લોકોએ ચા-પાણી પૂછ્યાં ન ખાવાનું. બપોરે ચારેક વાગ્યા બાદ તેઓએ અમને પૌંઆ બટેટાં આપ્યાં હતાં એ પણ સાવ ફેંકી દેવાં જેવાં હતાં. આ ફરિયાદ મારી એકલાની નહીં પણ તમામ પેસેન્જરોની હતી.
આ ફ્લાઈટને કનેક્ટેડ અન્ય પ્રવાસ માટે ટિકિટ કઢાવી ચૂકેલા પેસેન્જરોને માથે હાથ દેવાનો વારો આવ્યો હતો. કેરળથી વસંતનભાઈ પોતાના બિઝનેસ ટુર માટે મુંદ્રા આવ્યા હતા. ક્નસ્ટ્રક્શનનો વ્યવસાય કરતા વસંતનભાઈની બુધવારે જ મુંબઈથી કનેક્ટેડ કેરળ જવા માટેની ફ્લાઈટ હતી. પણ ભુજની જ ફ્લાઈટ રદ થવાને કારણે તેમનો આખો પ્રોગ્રામ ડિસ્ટર્બ થઇ ગયો હતો. વસંતનભાઈએ આ અંગે મુંબઈ સમાચારને કહ્યું હતું કે હું અવારનવાર મુંદ્રા આવતો હોઉં છું. બુધવારે મારે અગત્યના કામથી કેરલ પહોંચવાનું હોવાથી મેં ભુજથી મુંબઈ અને મુંબઈ-કેરળની ફ્લાઈટની ટિકિટ કઢાવી હતી, પણ ભુજથી ફ્લાઈટ ટેકઓફ્ફ જ ન થવાને કારણે મારો શિડ્યુલ બગડી ગયો હતો. મેં આ અંગે એરપોર્ટ ઓથોરિટી અને મુખ્ય પ્રધાનને ફરિયાદ કરતો પત્ર લખ્યો છે. એરલાઈન્સનો કડવો અનુભવ થયા બાદ અમુક પેસેન્જરો ટે્રનમાં તો અમુક પેસેન્જરોએ કંડલાથી ફ્લાઈટ પકડીને મુંબઈ આવવાનું મુનાસિબ માન્યું હતું. મોડી રાતે પણ અરવિંદ ભાનુશાલી અને તેમના જ્ઞાતિભાઈઓને મુંબઈ આવવા માટેની કોઇ વ્યવસ્થા કરી આપવામાં આવી નહોતી. હવે અમે અમારી જાતે જ મુંબઈ પહોંચવા માટેનો બંદોબસ્ત કરી લઇશું, એવું અરવિંદભાઈએ હતાશ અને નિરાશવદને જણાવ્યું હતું.
આ પણ વાંચો : ગુજરાતીઓ મહાકુંભમાં છે સુરક્ષિત, GSRTCના અધિકારી સાથે મુંબઈ સમાચારે કરી વાત
અરવિંદ ભાનુશાલીની સાથે વાત થયા બાદ મુંબઈ સમાચારે એરલાઈન્સના સિનિયર સ્ટાફ સાથે વાત કરવાની કોશિશ કરી હતી. જોકે એ પહેલાં એરલાઈન્સના સ્ટાફમાંથી હૃષીકેશભાઈ સાથે વાત થઇ ત્યારે તેમણે એવું જણાવ્યું હતું કે અમે તમામ પેસેન્જરોની સુવિધા માટે તકેદારી રાખી હતી. આ ઉપરાંત પેસેન્જરો એમ કહે છે કે અમને ટિકિટના પૈસા રિફંડ મળવા જોઇએ તો અમારી વેબસાઈટ પર જઇને જોશો તો એમાં લખ્યું છે કે અમે ફ્લાઈટ રદ થાય તો તેના માટે રિબુક કરવામાં આવશે. જોકે મુંબઈ સમાચારે કહ્યું કે તમારા જનસંપર્ક અધિકારી કે અન્ય કોઇ સિનિયર સ્ટાફ સાથે વાત કરાવો તો એમણે કહ્યું કે જનસંપર્ક અધિકારી છે નહીં અને સિનિયર સ્ટાફની ભરતી થઇ નથી. એ તમામ બાબતો અમારા સિક્યોરિટી ઈન્ચાર્જ જ જુએ છે. જોકે સિક્યોરિટી ઈન્ચાર્જે આ અંગે કોઇ પણ વાત કરવાની ઘસીને ના પાડી દીધી હતી.