ભિવંડીમાં 83 લાખ રૂપિયાનો ગાંજો જપ્ત: ઉલ્હાસનગરના બે યુવકની ધરપકડ

થાણે: થાણે જિલ્લાના ભિવંડીમાં પોલીસે 83 લાખ રૂપિયાનો ઉચ્ચ ગુણવત્તાનો ગાંજો પકડી પાડી ઉલ્હાસનગરના બે યુવકની ધરપકડ કરી હતી.
ભિવંડીના માનકોલી ફ્લાયઓવર નજીક મંગળવારે રાતે પોલીસ અધિકારીઓ પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે સ્કૂટર પર ફરી રહેલા બે યુવક પર તેમની નજર પડી હતી.
આ પણ વાંચો: ઍરપોર્ટ પરથી 21.80 કરોડ રૂપિયાનો ગાંજો, વિદેશી કરન્સી અને સોનું જપ્ત…
બંને યુવકની હિલચાલ શંકાસ્પદ જણાતાં પોલીસે તેમને રોક્યા હતા. તેમની તલાશી લેવામાં કશું જ મળ્યું નહોતું, પણ સ્કૂટરની તલાશી લેવાતાં ડિકીમાં છુપાવેલો ગાંજો મળી આવ્યો હતો. આ ગાંજો તેઓ વેચવા માટે લાગ્યા હતા.
પોલીસે બંને યુવકને તાબામાં લીધા હતા, જેમની ઓળખ ઉલ્હાસનગરના આકાશ ગુપ્તા (24) અને હર્ષ બ્રહ્માણે (26) તરીકે થઇ હતી. પોલીસે ગાંજો તથા સ્કૂટર પણ જપ્ત કર્યું હતું.
પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે ઉલ્હાસનગર અને ભિવંડીમાં ગાંજો વેચનારી ટોળકીનો બંને યુવક ભાગ છે. બંને યુવક સામે નારપોલી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ ગાંજો કોને વેચવા માટે આવ્યા હતા, તેની તપાસ કરવામાં આવી રહી છે.
(પીટીઆઇ)