થાણે પાલિકાના ડેપ્યુટી કમિશનરને લાંચના કેસમાં બે દિવસની પોલીસ કસ્ટડી

થાણે: પચીસ લાખ રૂપિયાની લાંચ માગવા પ્રકરણે એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી)એ ધરપકડ કરેલા થાણે મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સહિત બે જણને ગુરુવારે સ્થાનિક કોર્ટમાં હાજર કરાયા હતા, જ્યાં તેમને બે દિવસની પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી.
થાણે પાલિકાના અતિક્રમણ વિરોધી વિભાગના હેડ એવા ડેપ્યુટી કમિશનર શંકર પાટોળે તેમ જ ઓમકાર ગાયકર નામના શખસની પાલિકા મુખ્યાલયમાં બુધવારે એસીબીએ પાડેલી રેઇડ વખતે ધરપકડ કરવામાં આવી હતી. બંનેને ગુરુવારે એડિશનલ સેશન્સ જજ વી.જી. મોહિતે સમક્ષ હાજર કરાયા હતા અને તેમણે બંનેને 4 ઑક્ટોબર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.
આ પણ વાંચો: પચીસ લાખ રૂપિયાની લાંચ માગી:થાણે પાલિકાના ડેપ્યુટી કમિશનર એસીબીના છટકામાં સપડાયા…
લાંચના કેસમાં વધુ એક શખસ સુશાંત સુર્વેનું પણ નામ છે, જે હાલ ફરાર છે. પાટોળે, ગાયકર અને સુર્વે વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, એમ એસીબીના અધિકારીએ કહ્યું હતું.
રિયલ એસ્ટેટ ડેવલપરે મુંબઈ એસીબી સમક્ષ ફરિયાદ નોંધાવી હતી કે થાણે પાલિકાનો અધિકારી (પાટોળે)એ થાણેમાં તેના પરિસરમાંથી અતિક્રમણો હટાવવા માટે 35 લાખ રૂપિાયની લાંચ માગી હતી. ફરિયાદીએ દાવો કર્યો હતો કે તેણે સુશાંત સુર્વે મારફત અગાઉ 10 લાખ અધિકારીને ચૂકવી દીધા હતા.
થાણે પાલિકા મુખ્યાલયમાં પાટોળેની કેબિનમાં ગાયકરને ફરિયાદી પચીસ લાખ રૂપિયા આપી રહ્યો હતો ત્યારે એસીબીએ કાર્યવાહી કરીને બંનેને તાબામાં લીધા હતા.
(પીટીઆઇ)