ઇમિટેશન જ્વેલરી ગિરવે મૂકીને ક્રેડિટ સોસાયટી પાસેથી 28 લાખની લોન મેળવી: બે સામે ગુનો

થાણે: થાણે જિલ્લાના ભિવંડીમાં ત્રણ મહિનામાં ઇમિટેશન જ્વેલરી ગિરવે મૂકી 28 લાખ રૂપિયાની લોન મેળવીને ક્રેડિટ સોસાયટી સાથે છેતરપિંડી આચરવા પ્રકરણે મહિલા સહિત બે જણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
ભિવંડીના કાલ્હેર વિસ્તારમાં આવેલી કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના અધિકારીએ આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે બુધવારે ભારતીય ન્યાય સંહિતાની કલમ 318 (4) (છેતરપિંડી) અને 3 (5) (સમાન હેતુ) હેઠળ ગુનો દાખલ કરાયો હતો, એમ નારપોલી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: રોકાણકાર સાથે છેતરપિંડી, લાખોની ઉચાપત: ક્રેડિટ સોસાયટીના કર્મચારી વિરુદ્ધ ગુનો દાખલ
જુલાઇ અને સપ્ટેમ્બર, 2025 દરમિયાન આ છેતરપિંડી આચરવામાં આવી હતી. બંને આરોપીની ઓળખ રિતુ સંદીપ સિંહ (28) અને રાજન શુકલા (32) તરીકે થઇ હતી. બંને સ્થાનિક રહેવાસી છે અને તેમણે અસલી સોનાના દાગીના હોવાનું જણાવીને ઇમિટેશન જ્વેલરી ગિરવે મૂકી હતી અને ક્રેડિટ સોસાયટી પાસેથી 28.30 લાખ રૂપિયાની લોન મેળવી હતી.
દરમિયાન ક્રેડિટ સોસાયટી દ્વારા દાગીના તપાસવામાં આવતાં તે સોનાના ન હોવાનું જાણવા મળ્યું હતું. આથી ક્રેડિટ સોસાયટીના અધિકારીએ નારપોલી પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ફરિયાદને આધારે ગુનો દાખલ કરીને બંને આરોપીની શોધખોળ આદરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
(પીટીઆઇ)