ભિવંડીમાં હાઈડ્રોજન ક્લોરિડાઈ ગેસ સિલિન્ડરમાં ગળતર…

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણે જિલ્લાના ભિવંડીમાં એક ગોડાઉનમાં રાખવામાં આવેલા હાઈડ્રોજન ક્લોરાઈડના ગેસ સિલિન્ડરમાં શનિવારે ગેસ લીકેજ થવાની દુર્ઘટના નોંધાઈ હતી. ફાયરબ્રિગેડે તાત્કાલિક પગલું લઈને પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી.
ભિવંડી નિઝામપુર સિટી મ્યુનિસિપલ કૉર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના અધિકારીએ જણાવ્યું હતું કે માનકોલીમાં દાપોડી ગામમાં હરીહર કૉર્પોરેશન કૉમ્પ્લેક્સમાં વી એક્સપ્રેસ હાઉસ આવેલું છે.
અહીં ગુજરાત સ્થિત ગુજરાત ક્લોરો કેમિકલ કંપનીના હાઈડ્રોજન ક્લોરાઈડ ગેસના પાંચ સિલિન્ડર ગોડાઉનમાં રાખવામાં આવ્યા હતા. શનિવારે સવારના ૧૧.૩૦ વાગે અચાનક એક સિલિન્ડરમાંથી ગેસનું ગળતર થવા માંડ્યું હતું. ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સિલિન્ડરનો વાલ્વ બંધ કર દીધો હતો અને ગેસનું ગળતર રોક્યું હતું.
લગભગ પોણો કલાકની અંદર ફાયરબ્રિગેડને ગળતર રોકવામાં સફળતા મળી હતી. સદ્નસીબે આ બનાવમાં કોઈ જખમી થયું નહોતું.



