ભિવંડીના ગોદામમાંથી નકલી માખણ જપ્ત: ત્રણ જણની ધરપકડ

થાણે: ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) અને સ્થાનિક પોલીસ ભિવંડીના ગોદામમાં રેઇડ પાડીને નકલી માખણનો જથ્થો જપ્ત કરીને ત્રણની ધરપકડ કરી હતી.
શાંતિનગર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર વિનાયક ગાયકવાડે જણાવ્યું હતું કે મળેલી માહિતીને આધારે એફડીએ અને પોલીસની ટીમે શુક્રવારે ભિવંડીના કાસીમપુરા વિસ્તારમાં આવેલા ગોદામમાં રેઇડ પાડી હતી.
રેઇડ દરમિયાન ટીમને જાણવા મળ્યું હતું કે આરોપીઓ ભેળસેળિયું માખણ તૈયાર કરતા હતા અને જાણીતા કમર્શિયલ બ્રાન્ડના લેબલ હેઠળ તેને પેક કરતા હતા.
આ પણ વાંચો: દાગીનાના બદલામાં નકલી સોનાની બિસ્કિટ્સ આપનારી ટોળકી પકડાઈ
આરોપીઓની ઓળખ મુશ્તાક અન્સારી, મોહંમદ મુસદ્દીર મોહંમદ અકરમ શેખ અને એસ. સંજય તરીકે થઇ હતી, જેમની બાદમાં ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ગોદામમાંથી નકલી માખણ સહિત 1.13 લાખ રૂપિયાની મતા જપ્ત કરી હતી. ગોદામને બાદમાં સીલ કરવામાં આવ્યું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું.
પોીલસે આ પ્રકરણે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) રેગ્યુલેશન્સ તથા ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
(પીટીઆઇ)