સદોષ મનુષ્યવધના કેસમાં એકને સાત વર્ષની સખત કેદ: છ નિર્દોષ

થાણે: ભિવંડીમાં સળિયાથી કરાયેલા હુમલામાં યુવાનના મૃત્યુ પ્રકરણે સેશન્સ કોર્ટે સદોષ મનુષ્યવધની કલમ હેઠળ આરોપીને કસૂરવાર ઠેરવ્યો હતો અને તેને સાત વર્ષની સખત કેદની સજા સંભળાવી હતી.
થાણેના એડિશનલ સેશન્સ જજ એન. એલ. કાળેએ રામશીલા ફુલકર્ણ પાસવાન (28)ને ભારતીય દંડ સંહિતાની કલમ 304 (2) (સદોષ મનુષ્યવધ) હેઠળ સાત વર્ષની સખત કેદની સજા અને આઠ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. દંડની રકમ ન ભરે તો વધુ ચાર મહિનાની જેલની સજા કોર્ટે સંભળાવી હતી. આ કેસમાં કોર્ટે બાકીના છ આરોપીને નિર્દોષ છોડ્યા હતા.
જોકે 2017થી પાસવાન કસ્ટડીમાં હોવાથી તેેને સીઆરપીસીની કલમ 428 હેઠળ છુટકારાનો લાભ આપ્યો હતો.
આ પણ વાંચો: સુરતની લાજપોર સેન્ટ્રલ જેલ ફરી વિવાદમાં સપડાઈ, 42 વર્ષીય કેદીએ કરી આત્મહત્યા
ઘટના 19 ઑક્ટોબર, 2017ના રોજ બની હતી. ભિવંડીની ફૅક્ટરીમાં આર્થિક લેવડદેવડને મામલે આ કેસના ફરિયાદી બબલુ પટેલ અને આરોપી વચ્ચે ઝઘડો થયો હતો. તે સમયે પાસવાને સળિયાથી કમલેશ્ર્વર પટેલ પર હુમલો કર્યો હતો. ગંભીર ઇજાને કારણે કમલેશ્ર્વરનું મૃત્યુ થયું હતું અને બબલુ પટેલ જખમી થયો હતો.
એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર વિજય એમ. મુંઢેએ ખટલા દરમિયાન 14 સાક્ષી તપાસ્યા હતા.
પુરાવાની સમીક્ષા પછી કોર્ટે પાસવાનને કસૂરવાર ઠેરવ્યો હતો, પરંતુ ઉત્તર પ્રદેશ અને બિહારના અન્ય છ જણને પુરાવાને અભાવે છોડી મૂક્યા હતા. (પીટીઆઈ)