ભિવંડીમાં 13 વર્ષની સગીરા પાસે મજૂરીકામ કરાવવા બદલ ઇંટ ભઠ્ઠીના માલિક સામે ગુનો

થાણે: થાણે જિલ્લાના ભિવંડી તાલુકામાં 13 વર્ષની સગીરા પાસે મજૂરીકામ કરાવવા બદલ ઇંટ ભઠ્ઠીના માલિક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
કાટકરી આદિવાસી સમુદાયની સગીરાને ઇંટ ભઠ્ઠી ખાતેથી છોડાવવામાં આવ્યા બાદ માલિક ભૂષણ કાલુરામ પારધી વિરુદ્ધ શનિવારે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ભૂષણ પારધી દિનકરપાડાનો રહેવાસી હોવાનું પડઘા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું.
આપણ વાંચો: આદિવાસી સગીરાનાં લગ્ન: પાંચ સામે ગુનો…
પોલીસના જણાવ્યા અનુસાર સગીરાની માતા ઇંટ ભઠ્ઠીમાં કામ કરતી હતી અને તેણે દવા અને ઘરખર્ચ માટે આરોપી પાસેથી જૂન, 2024માં 13 હજાર રૂપિયા ઉછીના લીધા હતા.
દરમિયાન સગીરાની માતાની તબિયત લથડી હતી, જેને કારણે તે કામે જઇ શકી નહોતી. આથી તેની પુત્રીને આરોપી જબરજસ્તી પોતાની સાથે લઇ ગયો હતો અને ઇંટ ભઠ્ઠી પર મજૂરીકામ કરાવ્યું હતું.
સગીરાને ડિસેમ્બર, 2024 સુધી કઠોર પરિસ્થિતિમાં મજૂરીકામ કરવાની ફરજ પાડવામાં આવી હતી. ત્યાર બાદ પણ સગીરા પાછી મજૂરીકામ માટે આવે એ માટે તેની માતાને આરોપી ધમકાવવા લાગ્યો હતો.
ગયા સપ્તાહે મહિલાના ઘરમાં આરોપી ઘૂસ્યો હતો અને સગીરાને પોતાની સાથે લઇ જવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેને આધારે આરોપી સામે ગુનો દાખલ કરાયો હતો. આ પ્રકરણે તપાસ ચાલી રહી હોવાથી હજી સુધી કોઇની ધરપકડ કરાઇ ન હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)