ભિવંડીમાં કેમિકલ યુનિટ અને કુરિયર કંપનીમાં ભીષણ આગ: કોઈ જાનહાનિ નહીં

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણે જિલ્લાના ભિવંડી વિસ્તારમાં નાશિક હાઈવે પર આવેલા એક કેમિકલ ગોડાઉન સહિત એક કુરિયર કંપનીના ગોડાઉનમાં રવિવારે મોડી રાતે ભીષણ આગ લાગી હતી. સદ્નસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
થાણે ડિઝાસ્ટર કંટ્રોલના અધિકારી યાસીન તડવીએ જણાવ્યું હતું કે નાશિક હાઈવે પર ભિવંડીના લોનાદ ગામમાં સાવદ નાકા પાસે પેરાડાઈસ કેમિકલ કંપનીનું અને શાડોફૉક્સ કુરિયર કંપનીનું ગોડાઉન આવેલું છે. રવિવારે રાતના ૯.૪૫ વાગે આ બંને ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી.
આપણ વાંચો: કંડલાથી ઓમાન જતા જહાજમાં ભીષણ આગ 14 ક્રૂ મેમર ફસાયા, INS નૌકાદાળે બચાવ રાહત કાર્ય શરૂ કર્યું…
ગોડાઉનમાં મોટા પ્રમાણમાં કેમિકલનો જથ્થો હોવાથી આગ ઝડપભેર ફેલાઈ ગઈ હતી અને દૂર દૂર સુધી તેમાંથી નીકળી રહેલા ધુમાડો દેખાઈ રહ્યા હતા, જેને કારણે વિસ્તાર ગભરાટ વ્યાપી ગયો હતો. એ સિવાય તેની પાસે જ આવેલા કુરિયર કંપનીના ગોડાઉનમાં પણ આગ ફાટી નીકળી હતી.
ઘટના સ્થળે ભિવંડી ફાયરબિગ્રેડના એક ફાયર એન્જિન સહિત કલ્યાણ-ડોંબિવલી ફાયર બિગ્રેડ પાસેથી મેળવેલા બે ફાયર ફાઈટિંગ વેહિકલ વાહનો સહિત ઉલ્હાસ નગર ફાયરબ્રિગેડ તેમ જ જિંદાલ કંપનીની ખાનગી ફાયર વેહિકલને બોલાવવામાં આવ્યા હતા અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. આગ બુઝાવવા માટે ખાનગી પાણીના ટેન્કરો પણ કામે લગાડ્યા હતા.
આપણ વાંચો: પ્રશાંત મહાસાગરમાં ડૂબ્યું 3000 વાહનોને લઇ જતું કાર્ગો જહાજ, ભીષણ આગ પણ લાગી
આખી રાત ફાયરબ્રિગગ્રેડની કામગીરી ચાલુ હતી. જયાં આગ લાગી હતી તે એક માળનું ગોડાઉન હતું. યુનિટમાં ફકત કેમિકલ હતા કે અન્ય વસ્તુઓને સમાવેશ તે જાણી શકાયું નહોતુ. સોમવારે સવારના પણ મોડે સુધી આગ બુઝાવવાની કામગીરી ચાલી હતી. તે છેક સોમવારે બપોરના ત્રણ વાગે આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. જોકે કુલિંગ ઓપેરશન મોડે સુધી ચાલ્યું હતું.
ફાયરબ્રિગેડના અધિકારીના જણાવ્યા મુજબ આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. સદ્નસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી પણ ગોડાઉનમાં રહેલા સામાનને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું.