ભિવંડીના વ્યાવસાયિક સાથે 22.44 લાખની છેતરપિંડી

થાણે: જૂનાં વાહનો ખરીદી તેને રિપેર કરીને ફરી વેચવાના વ્યવસાયમાં ભિવંડીના બિઝનેસમૅન સાથે 22.44 લાખ રૂપિયાની કથિત છેતરપિંડી કરવામાં આવી હતી. આ પ્રકરણે પોલીસે ચાર જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
અધિકારીના જણાવ્યા મુજબ અવરલ મોહમ્મદ રફીકની ફરિયાદને આધારે ભિવંડી પોલીસે સાતમી મેના રોજ આરોપી મન્ઝૂર ઉર્ફે રઝા ખાન, અબ્દુલ કલામ, યાર મોહમ્મદ અને હિદાન મોહમ્મદ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. કથિત છેતરપિંડી 2020માં થઈ હોવાથી આ કેસમાં ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: 65 કરોડની છેતરપિંડીઃ પાલિકાના અધિકારીઓ, કોન્ટ્રાક્ટર સહિત 13 સામે ગુનો
ફરિયાદમાં જણાવાયું હતું કે 2020માં ફરિયાદી જૂનાં વાહનોની ડીલના વ્યવસાયમાં ખાન સાથે ભાગીદારીમાં જોડાયો હતો. બાદમાં આ વ્યવસાયમાં કલામ પણ સામેલ થયો હતો. જૂન, 2022થી ફેબ્રુઆરી, 2023 દરમિયાન ગુજરાતમાંથી 47 લાખથી વધુની કિંમતનાં જૂનાં વાહનો ખરીદવામાં આવ્યાં હતાં. આ વાહનોને રિપેર કરી તેને ફરી વેચવાનાં હતાં, જેમાં ફરિયાદીએ 22.44 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું.
એફઆઈઆર અનુસાર આરોપીઓએ ફરિયાદીની જાણબહાર એ વાહનો ત્રીજી પાર્ટીને કથિત રીતે વેચી નાખ્યાં હતાં અને નાણાં ચાંઉ કર્યાં હતાં.
ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો કે આ બાબતે પૂછપરછ કરતાં આરોપીઓએ મારપીટ કરી ધમકી આપી હતી. એ સિવાય આરોપીઓ ફરિયાદીની બાઈક પણ લઈ ગયા હતા. આ પ્રકરણે પોલીસ તપાસ કરી રહી છે. (પીટીઆઈ)