ભિવંડીમાં ટ્રક સાથે મોટરસાઇકલ ટકરાતાં પિતા-પુત્રીનાં મોત, પત્ની ઘાયલ

થાણે: થાણે જિલ્લાના ભિવંડીમાં ટ્રક સાથે મોટરસાઇકલ ટકરાતાં શખસ અને તેની ત્રણ વર્ષની પુત્રીનાં મોત થયાં હતાં, જ્યારે પત્ની ઘાયલ થઇ હતી. બાળકની તબિયત સારી ન હોવાથી તેને ડોક્ટર પાસે લઇ જવામાં આવી રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો.
એડિશનલ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ (થાણે ગ્રામીણ) અમોલ મિત્તલે કહ્યું હતું કે પડઘા વિસ્તારમાં ગુરુવારે બપોરે આ અકસ્માત થયો હતો.
પડઘાના બોરીવલી વિસ્તારનો રહેવાસી સહીમ મકબૂલ ખોત ગુરુવારે બપોરે તેની પત્ની અને પુત્રી સાથે મોટરસાઇકલ પર જઇરહ્યો હતો. સહીમ ખોતે લેન બદલવાનો તેમ જ ટ્રક અને રિક્ષા વચ્ચે મોટરસાઇકલ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. એ દરમિયાન ખોતની મોટરસાઇકલ ટ્રક સાથે ટકરાઇ હતી, એમ મિત્તલે જણાવ્યું હતું.
આ અકસ્માતમાં ખોતનું ગંભીર ઇજાને કારણે ઘટનાસ્થળે મોત થયું હતું, જ્યારે તેની ત્રણ વર્ષની પુત્રી થોડા સમય બાદ મૃત્યુ પામી હતી. ખોતની પત્ની પણ અકસ્માતમાં ઘાયલ થઇ હોવાથી તેને થાણેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેની હાલત ગંભીર છે.
ખોતના સંબંધીએ જણાવ્યું હતું કે ખોતની પુત્રીની તબિયત નાદુરસ્ત હોવાથી પરિવારજનો તેને ચેકઅપ માટે ડોક્ટર પાસે લઇ જઇ રહ્યા હતા ત્યારે તેમને અકસ્માત નડ્યો હતો.
(પીટીઆઇ)