ભાયંદરમાં હત્યા કરી ફરાર થયેલો ,આરોપી 27 વર્ષે દિલ્હીમાં ઝડપાયો

થાણે: નજીવી બાબતમાં ત્રણ જણ દ્વારા હુમલો કરી શખસની હત્યા કરવાના કેસમાં ફરાર આરોપીને 27 વર્ષે દિલ્હીમાં પકડી પાડવામાં આવ્યો હતો.
મળેલી માહિતીને આધારે આરોપી મેવાલાલ ઉર્ફે પન્નાલાલ મૂરત ચૌહાણ (52)ને રવિવારે દિલ્હીના સ્વરૂપ નગરથી પકડી પાડવામાં આવ્યો હતો, એમ આસિસ્ટન્ટ પોલીસ કમિશનર (ક્રાઈમ) મદન બલ્લાળે જણાવ્યું હતું.
અધિકારીના જણાવ્યા મુજબ ભાયંદરમાં પાંચમી ઑક્ટોબર, 1997ના રોજ નજીવી બાબતને લઈ ધરમનાથ રામશંકર પાંડેની હત્યા કરવામાં આવી હતી. પાંડે પર ચૌહાણ સહિત ત્રણ જણે હુમલો કર્યો હતો.
આ પ્રકરણે ભાયંદર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્રણમાંથી એક આરોપી વિજયસિંહ ચૌહાણની ઘટનાને દિવસે જ ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે અન્ય આરોપી ફરાર થઈ ગયા હતા.
ફરાર આરોપી ચૌહાણ દિલ્હીમાં નજરે પડ્યો હોવાની માહિતી તાજેતરમાં પોલીસને મળી હતી. માહિતીને આધારે પોલીસે આરોપીની ખાતરી કરી તેને ઝડપી પાડ્યો હતો. આ કેસમાં સંડોવાયેલા ત્રીજા આરોપી રામદુલાર પાલની પોલીસ શોધ ચલાવી રહી છે. (પીટીઆઈ)