આમચી મુંબઈ

ભાસ્કર ભોજકનું હાર્ટ એટેકથી નિધન

ગુજરાતી રંગમંચનો યુવા તારલો ખરી પડ્યો

દાહોદ (ગુજરાત) : દેશભરમાં યુવાનોમાં હાર્ટ એટેકથી મૃત્યુ થવાના કેસમાં દિન-પ્રતિદિન ઉછાળો આવી રહ્યો છે. હવે ગુજરાતના દાહોદમાં નાટક ભજવવા આવેલા ગુજરાતી રંગભૂમિના આશાસ્પદ યુવા કલાકારનું હાર્ટ એટેકથી અવસાન થતા લોકોમાં ગમગીનીનો માહોલ ફેલાઇ ગયો છે. ગુજરાતી રંગમંચના જાણીતા કલાકાર ભાસ્કર ભોજકનું કાર્ડિયાક એરેસ્ટથી નિધન થયું છે. તેઓ ૩૯ વર્ષના હતા. તેઓ મુંબઈ રહેતા હતા અને દાહોદ ખાતે ‘બે અઢી ખીચડી કઢી’ નાટકનો શો કરવા આવ્યા હતા. આ ડ્રામામાં સંજય ગોરડીયા સહિત ઘણા જાણીતા કલાકાર હતા.

મળતી માહિતી મુજબ તેમને શો દરમિયાન ઉલટી થઈ હતી. તબિયત લથડતા તેમને એક વાર શો માંથી એક્ઝિટ કરવી પડી હતી. ઊલટી કર્યા બાદ તેઓ ફરી સ્ટેજ પર આવ્યા હતા. નાટક પૂરું થતાં જ તેમની તબિયત લથડતા તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા, પણ તે પહેલા જ તેમણે દમ તોડી દીધો હતો. તેમની સાથેના કલાકાર મિત્રોએ જણાવ્યું હતું કે તેમને કાર્ડિયાક એરેસ્ટ આવ્યો હતો.

તેમણે અનેક નાટક અને સિરિયલમાં કામ કર્યું હતું. તેમના જાણીતાં નાટકોમાં ‘છેલ છબીલો ગુજરાતી’, ‘પરણેલા છો તો હિંમત રાખો’, ‘ઝીરો બની ગયો હીરો’ વગેરેનો સમાવેશ થાય છે. તેમનું આમ અચાનક મૃત્યુ થતા નાટકના તેમના સાથી કલાકારોમાં પણ દુ:ખનો માહોલ છવાઇ ગયો હતો. મળતી માહિતી મુજબ તેઓ મુંબઇના મીરા રોડ ખાતે રહેતા હતા. તેમના મૃતદેહને મુંબઇ લાવવામાં આવ્યો હતો અને અહીં જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button