મામા પાસેથી એક કરોડ રૂપિયાની ખંડણી માગનારા ભાણેજની ધરપકડ
એન્ટી કરપ્શન બ્યૂરોની કાર્યવાહી અને બદનામીની ધમકી આપી આરોપી ખંડણી માગતો હતો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એમઆઈડીસીમાંથી નિવૃત્ત થયેલા ચીફ એન્જિનિયર અને તેમની પત્ની પાસેથી એક કરોડ રૂપિયાની ખંડણી માગનારા ભાણેજની થાણે ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. ઉછીના લીધેલા 61 લાખ રૂપિયા પાછા ચૂકવવા ન પડે તે માટે આરોપી એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)ની કાર્યવાહી અને બદનામીની ધમકી આપી ખંડણી માગતો હતો.
થાણેની એન્ટી એક્સ્ટોર્શન સેલ (એઈસી)ના અધિકારીઓએ એક કરોડ રૂપિયાની ખંડણી સ્વીકારનારા મંગેશ અરુણ થોરાત (29)ને પકડી પાડ્યો હતો. અહમદનગરના યશોદાનગર ખાતે રહેતા થોરાત વિરુદ્ધ નૌપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
પોલીસ ફરિયાદ અનુસાર આરોપી થોરાત થાણેના પાંચપાખાડી ખાતે રહેતા અને એમઆઈડીસીમાંથી ચીફ એન્જિનિયર તરીકે નિવૃત્ત થયેલા ફરિયાદી સુભાષ તુપે (59)નો ભાણેજ છે. ફરિયાદીની પત્ની જયશ્રી પણ એમઆઈડીસીમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે ફરજ બજાવતી હતી. અમુક સમય પહેલાં તેણે પણ નોકરીમાંથી રાજીનામું આપ્યું હતું.
ફરિયાદીની પત્નીએ આરોપીને વ્યવસાય કરવા માટે 61 લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા અને ઉત્તર પ્રદેશમાં રહેતા પુનિત કુમાર પાસે વ્યવસાય નિમિત્તે 1.25 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. પુનિત કુમારને આપવામાં આવેલી રકમ સંદર્ભે એગ્રિમેન્ટ પણ કરવામાં આવ્યું હતું. જોકે પુનિત ફરિયાદીની પત્નીની રકમ પાછી આપવામાં આનાકાની કરી રહ્યો હતો. પરિણામે તેની પાસેથી રૂપિયા પ્રાપ્ત કરવાની કામગીરી થોરાતને સોંપાઈ હતી. આ માટે તેને પુનિત સાથેના એગ્રિમેન્ટની એક નકલ આપવામાં આવી હતી, એમ પોલીસનું કહેવું છે.
ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે આરોપી થોરાત ફરિયાદીની પત્નીએ આપેલા એગ્રિમેન્ટનો દુરુપયોગ કરવા લાગ્યો હતો. તેણે ફરિયાદીની પત્ની સાથેની વાતચીતનું મોબાઈલ ફોનમાં રેકોર્ડિંગ પણ કરી લીધું હતું. આ રેકોર્ડિંગનો આધાર લઈ તે મામા-મામી પાસેથી એક કરોડ રૂપિયાની માગણી કરવા લાગ્યો હતો. રૂપિયા ન આપે તો એસીબીમાં ફરિયાદ નોંધાવવાની ધમકી આપતો હતો. ધરપકડ અને બદનામીનો ડર દેખાડી આરોપીએ ખંડણી માગી હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.
આ પ્રકરણે એઈસીના સિનિયર ઈન્સ્પેક્ટર શેખર બાગડે, મહિલા ઈન્સ્પેક્ટર વનિતા પાટીલ, એપીઆઈ સુનીલ તારમળેની ટીમે છટકું ગોઠવ્યું હતું. બુધવારની બપોરે નવી મુંબઈમાં ખારઘર ટોલનાકા નજીક એક કરોડ રૂપિયા સ્વીકાર્યા પછી આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો.